________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૮, સૂત્ર-૮
૧૭૧
અચક્ષુદર્શનાવરણ : આંખ સિવાયની ચાર ઈન્દ્રિયો અને મન દ્વારા થતો વસ્તુનો સામાન્ય બોધ તે અચક્ષુદર્શન, તેને આવરણ કરનારૂં કર્મ તે અચક્ષુદર્શનાવરણ કર્મ.
અવધિ દર્શનાવરણ ઃ ઈન્દ્રિય અને મનની સહાય વિના જ આત્માને રૂપી દ્રવ્યના સામાન્ય ધર્મનો જે બોધ થાય છે તેને અવધિદર્શન કહેવાય છે. તેને આવરણ કરનાર કર્મ તે અવધિદર્શનાવરણ કર્મ.
કેવળદર્શનાવરણ : રૂપી-અરૂપી સર્વ પદાર્થોનો સામાન્યરૂપે બોધ તે કેવળદર્શન. તેને આવરણ કરનાર કર્મ તે કેવળદર્શનાવરણ કર્મ.
હવે દર્શનાવરણ કર્મના ભેદરૂપે નિદ્રા પંચક જણાવે છે ત્યાં સૂત્રકારે વેદનીય શબ્દ જોડવાનું સૂચન કર્યું છે કારણ કે તે તે રૂપે વેદાય છે. માટે વેદનીય કહેવાય છે.
આગળ જણાવેલા ચાર દર્શનાવરણીય કર્મોમાંથી કેવળદર્શનાવરણીય સિવાયના બાકીના (ચક્ષુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અને અવિધ દર્શનાવરણીય) ત્રણ કર્મોનો ક્ષયોપશમ થઈ શકે છે.
તે ત્રણ કર્મોના ક્ષયોપશમથી યત્કિંચિત્ ચક્ષુ, અચક્ષુ અને અવધિ દર્શનની લબ્ધિ આ જીવને પ્રગટ થાય છે. તે પ્રગટ થયેલી (પ્રાપ્ત થયેલી) દર્શનશક્તિને નિદ્રાપંચક હણે છે. તેથી નિદ્રાપંચકને પણ દર્શનાવરણીયમાં ગણેલી છે. નિદ્રાપંચકના ઉદયકાળે આ જીવની ઉઘાડી રહેલી થોડી પણ જે દર્શનશક્તિ છે તેનું આચ્છાદન થાય છે. તે કાળે ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી વિષયનો (પદાર્થનો) બોધ થતો નથી. તેથી ચાર દર્શનાવરણીય કર્મો મૂળથી જ દર્શનલબ્ધિને રોકે છે. જ્યારે નિદ્રા વેદનીય આદિ પાંચ કર્મો ચક્ષુદર્શનાવરણ આદિના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી દર્શન લબ્ધિને રોકે છે. જીવ જ્યારે ઊંઘી જાય ત્યારે ચક્ષુદર્શન આદિ દર્શનની પ્રાપ્ત થયેલી લબ્ધિનો ઉપયોગ તે જીવ કરી શકતો નથી.
નિદ્રા વેદનીય દર્શનાવરણ કર્મ : જે કર્મના ઉદયથી વિશેષ પ્રયત્ન વિના સુખપૂર્વક જાગી શકાય તેવી અલ્પ ઊંઘ તે નિદ્રા વેદનીય દર્શનાવરણીયકર્મ.
નિદ્રા નિદ્રા વેદનીય દર્શનાવરણીય કર્મ : કષ્ટપૂર્વક-ઘણાં જ પ્રયત્નપૂર્વક જાગી શકાય તેવી ગાઢ ઊંઘ તે નિદ્રાનિદ્રા. જે કર્મના ઉદયથી આવી નિદ્રા આવે તેને નિદ્રા નિદ્રા વેદનીય દર્શનાવરણીય કર્મ કહેવાય છે.
પ્રચલા વેદનીય દર્શનાવરણીય કર્મ : બેઠા બેઠા ઊંઘ આવે તે પ્રચલા. જે કર્મના ઉદયથી આવી ઊંઘ આવે તે પ્રચલા વેદનીય દર્શનાવરણીય કર્મ.