________________
અધ્યાય : ૮, સૂત્ર-પ
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
(૨) દર્શનાવરણીય ઃ જેના વડે દર્શન અર્થાત્ સામાન્ય બોધ અવરાય (ઢંકાય) તે દર્શનાવરણ. જે કર્મ આત્માના દર્શન ગુણને ઢાંકી દે તે દર્શનાવરણીયકર્મ કહેવાય છે. જેમ રાજાને મળવા આવનાર વ્યક્તિને દ્વારપાળ રોકે એટલે રાજા તેને જોઈ શકતો નથી તેમ આત્મા (જીવ) રૂપી રાજા દર્શનાવરણીય કર્મના ઉદયથી વસ્તુના સામાન્ય ધર્મ ને જાણી શકતો નથી.
૧૬૬
(૩) વેદનીય : જેના વડે સુખ કે દુઃખ અનુભવાય તે વેદનીય. જે કર્માણુઓ કે આત્માના અનંત અવ્યાબાધ સુખને રોકીને બાહ્ય સુખ અને દુઃખ આપે તે વેદનીય કર્મ કહેવાય છે. જેમ મધ વડે લેપાયેલી તલવારને ચાટતા મીઠાશ પણ અનુભવાય છે અને ધાર લાગતા દુ:ખ પણ થાય છે તેમ અહીં જીવને સાતા તથા અસાતા બંને અનુભવવી પડે છે.
(૪) મોહનીય ઃ જેના વડે આત્મા મોહ પામે તે મોહનીય, આ કર્મ ઉદયમાં આવે ત્યારે આત્માને મોહ પમાડે છે, અવિવેકી બનાવે છે અને અકર્તવ્યો કરાવે છે.
મોહનીયકર્મનો સ્વભાવ જીવના સમ્યક્ત્વ ગુણ તથા અનન્ત ચારિત્ર ગુણને રોકવાનો છે. આ કર્મ મદિરા જેવું છે. જેમ મદીરા (Alcohol) પીવાથી જીવ (આત્મા) વિવેકરહિત બને છે અને હિત-અહિતને જાણી શકતો નથી, તેમ મોહનીય કર્મના ઉદયથી આત્મા ધર્મ-અધર્મ સમજી શકતો નથી અને આચરણમાં મૂકી શકતો નથી.
(૫) આયુષ્ય કર્મ : અક્ષયસ્થિતિ ગુણને રોકીને જન્મ-મરણનો અનુભવ કરાવનારા કર્માણુઓ તે આયુષ્ય કર્મ. જે કર્મના અસ્તિત્વથી પ્રાણી જીવતો રહે છે અને ક્ષય થવાથી મરણ પામે છે આવો જીવન-મરણનો વ્યવહાર જેના આધારે થાય છે તેને આયુષ્યકર્મ કહેવાય છે.
આયુષ્ય કર્મ પગમાં નાંખેલી બેડી જેવું છે. જેમ પગમાં નંખાયેલી બેડીવાળો મનુષ્ય તેની નિયત મુદત (Fixed Time) પહેલા તેમાંથી નીકળી શકતો નથી, તેવી જ રીતે આયુષ્યકર્મના ઉદયવાળો જીવ તે તે ભવમાંથી આયુષ્ય પૂર્ણ થયા પહેલા નીકળી શકતો નથી.
(૬) નામકર્મ : આત્માના અરૂપીપણાના ગુણને દબાવીને મનુષ્યાદિ પર્યાયોનો અનુભવ કરાવનારા કર્માણુઓ તે નામ કર્મ. નામ કર્મ આત્માને શરી૨-ઈન્દ્રિય-શરીરની રચના - રૂપ - રંગ ઈત્યાદિ આપવાના સ્વભાવ વાળું છે.