________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૪
૧૬૩ જાય. આવી જે જ્ઞાનાવરણમાં તરતમતા છે તેને રસબંધ કહેવાય છે. જેમ ચુરમાના કે બુંદીના લાડવા ગળ્યા (મીઠા) જ હોય છે છતાં કોઈ લાડવો ઓછો ગળ્યો હોય છે અને કોઈ લાડવો વધારે ગળ્યો હોય છે, તે જ રીતે પ્રતિસમયે બંધાતા કર્મોમાં શુભકર્મ કે અશુભકર્મોનો રસ પણ ઓછો કે વધુ હોય છે. આ રસની તરતમતા જો કે અસંખ્ય જાતની હોઈ શકે છે પણ જ્ઞાનીઓએ સ્થૂલવ્યવહારથી આ વાત સમજાવવા રસબંધના એકસ્થાનિક, દ્રિસ્થાનિક, ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક એમ ચાર ભેદો પાડેલા છે.
પુણ્ય પ્રકૃતિઓ સંસારિક સુખદાયી છે માટે તેને સમજાવવા શેરડીના રસનું દૃષ્ટાંત અને પાપ પ્રકૃતિઓ સંસારિક દુ:ખદાયી છે માટે તેને સમજાવવા લીમડાના રસનું દૃષ્ટાંત આપેલ છે. શેરડીને અને લીમડાની લીંબોળીઓને પીસવાથી જે સ્વભાવિક રસ નીકળે તે રસના જેટલી મીઠાશ અને કડવાશ જે કર્મોમાં હોય તે એકસ્થાનિક રસબંધ.
તે સહજ રસના મનથી બે ભાગ કલ્પીને ઉકાળવા દ્વારા બાળીને એક ભાગ શેષ રાખીએ અને તેમાં જેટલી મીઠાશ કે કડવાશ હોય તેટલી મીઠાશ - કડવાશ જે કર્મોમાં હોય તે દ્રિસ્થાનિક રસબંધ.
એવી જ રીતે સ્વભાવિક રસના બુદ્ધિથી ત્રણ ભાગ કલ્પી, બે ભાગ બાળી એક ભાગ શેષ રાખીએ તે ત્રિસ્થાનિક રસબંધ.
સ્વભાવિક રસના બુદ્ધિથી ચાર ભાગ કલ્પી ત્રણ ભાગ બાળી શેષ એક ભાગ રાખીએ તે ચતુઃસ્થાનિક રસબંધ કહેવાય છે.
ધારોકે શેરડીનો કે લીંબડાનો ૨૪ લીટર રસ લાવીએ. પરંતુ ઉકાળીએ નહિ તો તે સ્વભાવિક રસ એકસ્થાનિક કહેવાય. હવે તે સ્વભાવિક રસને ઉકાળીને ૧૨ લીટર રાખીએ તો ક્રિસ્થાનિક. ૨૪ લીટર રસને વધારે ઉકાળીને ૧૬ લીટર બાળી ૮ લીટર બાકી રાખીએ તો ત્રિસ્થાનિક અને તે સ્વભાવિક ૨૪ લીટર રસને, ૧૮ લીટર બાળી ૬ લીટર બાકી રાખીએ તો ચતુઃ સ્થાનિક કહેવાય છે. માત્ર રસબંધની તરતમતા સમજાવવા માટે આ ઉદાહરણ દર્શાવ્યું છે. ટૂંકમાં રસબંધ કર્મના ફળની તીવ્રતા અથવા મંદતા દર્શાવે છે.
(૪) પ્રદેશબંધઃ કર્માણુઓનો આત્માની સાથે બંધ થાય છે ત્યારે એ કર્માણુઓની આઠે પ્રકૃતિઓમાં (કમોંમાં) વહેંચણી થાય છે. એ આઠ પ્રકૃતિઓમાં કર્માણુઓની વહેંચણી એ પ્રદેશબંધ. અર્થાત્ કર્મ બાંધતી વખતે યોગને અનુસારે ક્યારેક ઓછા પ્રદેશોવાળુ (તો પણ અનંતપરમાણુઓ તો હોય જ), ક્યારેક વધારે પ્રદેશોવાળુ અને