________________
૧૫૬
અધ્યાય : ૮, સૂત્ર-૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ કહેલા ધર્મ તેમજ મોક્ષના સ્વરૂપ તરફ અશ્રદ્ધા. આમાં વિપરીત સમજણ તથા અભિગ્રહ (પકડ) મુખ્ય ભાગ ભજવે છે. ભવ્ય અને અભવ્ય બંને જીવને આભિગ્રહિક મિથ્યાત્વ હોઈ શકે છે.
(૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ ઃ અનાભિગ્રહિક એટલે અભિગ્રહની પકડથી રહિત. કોઈ આગ્રહ નથી. જે સોનું છે તેને સોનું જ માનવું જોઈએ અને જે માટી હોય તેને માટી જ માનવી જોઈએ. તે રીતે સત્યસ્વરૂપને સત્ય અને અસત્ય સ્વરૂપને અસત્ય માનવાનો આગ્રહ જે ન રાખે તેમજ યથાર્થ સમજણના અભાવે “સર્વ દર્શનો સાચા છે”, “સર્વ ધર્મો સરખા છે” એમ સામાન્ય બુદ્ધિથી વિચારે તે અનાભિગ્રહિક મિથ્યાત્વ. અભવ્ય જીવને આ મિથ્યાત્વ ન હોય.
ન
(૩) આભિનિવેશિક મિથ્યાત્વ : અભિનિવેશ એટલે કદાગ્રહ, દુરાગ્રહ, ખોટી પકડ. તત્ત્વોને બરાબર જાણે પરંતુ અહંકાર, મોહ અથવા લજ્જા (શરમ) ઈત્યાદિ કારણોને લીધે બોલાયેલી અથવા પોતે સ્વીકારેલી માન્યતા ખોટી છે એમ જાણવા છતાં પકડી રાખે. અસત્ય સિદ્ધાંત વિષે પકડ અહંકારના કારણે છે. આ પ્રકારનું મિથ્યાત્વ સમ્યકત્વથી વમી ગયેલા જીવને હોય છે. ભગવાન મહાવીરસ્વામીના જમાઈ જમાલીનો કદાગ્રહ જાણીતો છે.
(૪) સાંશયિક મિથ્યાત્વ : પરમાત્માએ કહેલા જીવાદિ તત્ત્વો સત્ય હશે કે નહિ તેવી શંકા રાખવી તે સાંશયિક મિથ્યાત્વ છે. તેમાં સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા ઉપર અશ્રદ્ધા મુખ્ય કારણ છે.
(૫) અનાભોગિક મિથ્યાત્વ : અનાભોગ એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતાના કારણે તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા કે વિપરીત શ્રદ્ધા તે અનાભોગિક મિથ્યાત્વ. આ મિથ્યાત્વ એકેન્દ્રિય આદિ જીવોને તથા કોઈ એક વિષયમાં વિપરીત શ્રદ્ધા ધરાવનાર આત્માને હોય છે. અનાભોગના કારણે વિપરીત શ્રદ્ધા ધરાવનારને જો કોઈ સમજાવે તો તે પોતાની ભૂલ સુધારી લે છે કારણ કે તેને કોઈ આગ્રહ (પકડ) હોતી નથી.
અહીં અશ્રદ્ધાના બે અર્થ છે : (૧) વિપરીત શ્રદ્ધા અને (૨) સાચા તત્ત્વની શ્રદ્ધાનો અભાવ. પ્રથમના ત્રણ મિથ્યાત્ત્વમાં વિપરીત શ્રદ્ધા છે. ચોથામાં મિશ્રભાવ છે એટલે કે શ્રદ્ધાનો બિલકુલ અભાવ નથી તેમ પૂર્ણ શ્રદ્ધા પણ નથી પાંચમા અનાભોગિક મિથ્યાત્ત્વમાં એકેન્દ્રિય આદિ જીવોને શ્રદ્ધાના અભાવરૂપ મિથ્યાત્ત્વ છે.