________________
અધ્યાય-૮
૮-૧
સૂત્ર (૮-૧) પ્રયોજન ઃ સૂત્રકાર કર્મબંધના કારણો જણાવે છે. मिथ्यादर्शनाविरति -प्रमाद - कषाय- योगा बन्धहेतवः મિથ્યાદર્શનાવિરતિ-પ્રમાદ-કષાય-યોગા બન્ધહેતવઃ મિથ્યાદર્શન-અવિરતિ-પ્રમાદ-કષાય-યોગાઃ બન્ધહેતવઃ ૮-૧
૮-૧
શબ્દાર્થ : મિથ્યાદર્શન = તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા, અવિરતિ = ભોગોનો ત્યાગ ન કરવો, પ્રમાદ = ધાર્મિક અનુષ્ઠાનોમાં ઉત્સાહનો અભાવ, કષાય = ક્રોધ-માન-માયાલોભ, યોગ = મન-વચન-કાયાની પ્રવૃત્તિ.
સૂત્રાર્થ : મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ (એ પાંચ) કર્મબંધના કારણો છે.
ભાવાર્થ : (૧) મિથ્યાદર્શન : મિથ્યાદર્શન એટલે ઉલ્ટી શ્રદ્ધા, ઊંધી શ્રદ્ધા. તત્ત્વને અતત્ત્વ માનવું. સંસાર અને સંસારી ભાવોને ઉપાદેય (સ્વીકારવા લાયક) માનવા. મોક્ષ અને મોક્ષના સાધનોને હેય (છોડવા લાયક) માનવા.
જીવ-અજીવ વગેરે તત્ત્વોનું જે વાસ્તવિક સ્વરૂપ છે તેમાં મન ફાવે તેમ આડા અવળી કલ્પના કરવી તે મિથ્યાદર્શન. સરળ ભાષામાં કહીએ તો સર્વજ્ઞ વીતરાગ પ્રત્યે અશ્રદ્ધા અને અરૂચિ તે મિથ્યાદર્શન. તેના જુદી જુદી રીતે જુદા જુદા ભેદો શાસ્ત્રોમાં આવે છે. કર્મગ્રંથમાં નીચે પ્રમાણે પાંચ ભેદો પ્રસિદ્ધ છે.
મિથ્યાદર્શનના પાંચ ભેદો :
(૧) આભિગ્રહિક (૨) અનાભિગ્રહિક (૩) આભિનિવેશિક (૪) સાંશયિક અને (૫) અનાભોગિક
(૧) આભિગ્રહિક મિથ્યાત્વ : અભિગ્રહ એટલે આગ્રહ. વિપરીત સમજણથી બૌદ્ધ આદિ કોઈ એક દર્શન ઉપર આ જ સત્ય છે એવો આગ્રહ અને સર્વજ્ઞ ભગવંતે