________________
સાતમા અધ્યાયનો સંક્ષિપ્ત સાર તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
છઠ્ઠા અધ્યાયમાં અશુભભાવનું વિશેષપણે નિરૂપણ કરવામાં આવ્યું છે. સાતમા અધ્યાયમાં પાપથી અટકવારૂપ અતિચારને ટાળવારૂપ અને મહાવ્રતની ભાવનાઓ દ્વારા મહદ્ અંશે શુભ ભાવનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જો કે અશુભ આશ્રવનું ફળ અધોગતિ છે. તેમ શુભ આશ્રવનું ફળ સ્વર્ગ સુધીનું છે, જ્યારે સંવર નિર્જરારૂપ આરાધના શુભભાવ હોવા છતાં કર્મ ક્ષયનું સાધન હોવાથી તે ધર્મરૂપ છે.
સાધક જ્યારે સ્વરૂપમાં સ્થિર નથી રહેતો ત્યારે ભક્તિ, સ્વાધ્યાય, આવશ્યક ક્રિયા દ્વારા રાગાદિ કષાયોને દૂર કરવા પ્રયત્ન કરે છે. છતાં શુદ્ધ ભાવમાં ન ટકાય ત્યારે શુભભાવમાં ટકે છે. અને અશુભભાવ ટાળે છે.
વ્રતીને નિઃશલ્યો વ્રતી કહ્યું છે. શલ્ય એટલે દોષ, મુખ્ય દોષ મિથ્યાત્વનો છે. મિથ્યાત્વ ટળતા જીવ સમ્યક્ત્વ પામે છે. પછી વ્રતાદિમાં પ્રવૃત્ત થાય છે. તે અનુક્રમે દેશિવરિત અને સર્વવિરતિરૂપ છે. છતાં કષાય રહિતપણું શુદ્ધ ચારિત્ર છે.
૧૪૮
અવ્રત પાપબંધનું કારણ છે, વ્રત પુણ્યબંધનું કારણ છે. રાગ-દ્વેષ રહિત નિષ્કષાય ભાવ તે નિર્જરાનું કારણ છે. સમ્યગ્દષ્ટિ હોય કે મિથ્યાર્દષ્ટિ હોય જ્યાં રાગાદિ છે ત્યાં બંધ છે.
આશ્રવમાં પ્રથમ હિંસાદિ પાપને આશ્રવના કારણ ન બતાવતા મિથ્યાત્વ આદિ બતાવ્યા છે. કારણ કે મિથ્યાત્વ દોષ ટળતાં જીવમાં પાપપ્રવૃત્તિ ઘટે છે. અને દેશિવરિત ગુણસ્થાનકે તો વ્રતાદિ જેવા સંયમમાં જીવ સહજપણે ટકે છે. પરવસ્તુના ત્યાગરૂપ સંયમ એ વ્યવહાર કથન છે. પરંતુ પરપદાર્થનો રાગ છૂટી જવો તે સાચો સંયમ છે. ધન-સ્રી દેહ પ્રત્યેનો રાગભાવ છૂટવો તે સંયમ છે.
રાગ-દ્વેષ અને અજ્ઞાન તો કર્મબંધ થવાના દોષત્રય છે, જ્યારે રત્નત્રય દોષ મુક્તિનું સાધન છે. જો કે કર્મ જડ છે, પરંતુ આત્મપ્રદેશોના સંયોગમાં આવીને, પોતે પોતાનામાં પરિણમન કરે છે. છતાં આત્મામાં વેદકઅનુભવ નામનો ગુણ હોવાથી, કર્મના પરિણમનનો અનુભવ પોતે કરે છે.
કાર્યણવર્ગણા સૂક્ષ્મ છે, તેથી ચક્ષુથી દેખાતી નથી. પરંતુ અનુભવગમ્ય છે. જેમ કે, જ્ઞાનસ્વરૂપનું અપ્રગટ રહેવું, અસાતાનો અનુભવ કરવો, રાગાદિથી મુંઝાવું તે મોહનીયનો અનુભવ થવો, આમ કર્મોનો ઉદય અનુભવમાં આવે છે.
અજ્ઞાન વશ જીવ પ્રાપ્ત સંયોગોમાં રાગ-દ્વેષ કરે છે. આ દોષત્રય મહા ભૂંડા છે, તેની સામે રત્નત્રયને પ્રગટ કરે, તો તે દોષત્રય તમને છોડી દેશે. આવા મહાન કર્તવ્યનો આ યોગ મળ્યો છે. તે દ્વારા કાર્યસિદ્ધિ કરીને અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરીએ.
સાતમો અધ્યાય સંપૂર્ણ