________________
૧૪)
અધ્યાય : ૭, સૂત્ર-૩૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્ર (૭-૩૧) પ્રયોજન અતિથિસંવિભાગ વ્રતના (બારમા વ્રતના) અતિચારો જણાવે છે. सचित्तनिक्षेप-पिधान-परव्यपदेश-मात्सर्य-कालातिक्रमाः ७-३१ સચિત્તનિક્ષેપ-પિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલાતિક્રમાઃ ૭-૩૧ સચિત્તનિક્ષેપ-પિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલ- અતિક્રમઃ ૭-૩૧
શબ્દાર્થ : સચિત્તનિક્ષેપ = સચિત્ત વસ્તુમાં વહોરાવવા યોગ્ય વસ્તુ મૂકવી, સચિત્તપિધાન = વહોરાવવા યોગ્ય વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકવી, પરવ્યપદેશ = પોતાની વસ્તુને પારકી (બીજાની) કહેવી, માત્સર્ય = અદેખાઈથી આપવું, કાલાતિક્રમ = કાળ વીતી ગયા પછી બોલાવવા જવું.
સૂત્રાર્થ : સચિત્તનિક્ષેપ, સચિત્તવિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ (આ પાંચ અતિથિસંવિભાગ વ્રતના અતિચારો છે.)
ભાવાર્થઃ “અતિથિસંવિભાગ” વ્રતમાં કહ્યું છે કે પ્રથમ દિવસે તિવિહાર અથવા ચઉવિહાર ઉપવાસ કરવા પૂર્વક પૌષધ કરીને પારણામાં બીજા દિવસે એકાસણું કરવું.
એકાસણું કરતા પહેલા કોઈપણ મુનિમહાત્મા અથવા સાધ્વીજી મહારાજને ભાવપૂર્વક આમંત્રણ આપી, આહાર વહોરાવીને, તેઓ જે વહોરે તેનો જ આહાર કરવો. કોઈપણ એક-બે મુનિમહારાજ કે સાધ્વીજી મહારાજને વહોરાવ્યા બાદ બીજા મુનિ મહારાજ કે સાધ્વીજી વહોરવા આવે અને વહોરાવવા લાયક વસ્તુ વધારે ન હોય અથવા પોતાને કે પોતાના પરિવારને વપરાય તેટલી જ હોય, તેના કારણે ન આપવાની બુદ્ધિથી નીચે મુજબનો વ્યવહાર આ જીવ કરે તો અતિચાર લાગે.
(૧) સચિત્તનિક્ષેપ વહોરાવવા લાયક ચા-દૂધ વગેરે વસ્તુઓ સચિત્ત વસ્તુ ઉપર (ગેસ-ચુલા ઉપર) મૂકી દેવા અથવા કાચા પાણી આદિ સચિત વસ્તુના વાસણ ઉપર તે પદાર્થ મુકવા.
(૨) સચિત્તપિધાન : વહોરાવવા લાયક ચા-દૂધ આદિ પદાર્થોના ભાજન ઉપર લીંબુ, કાચા પાણીનો ગ્લાસ અથવા સચિત્ત ફળ મુકીને તેને ઢાંકવા.