________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૩૦
૧૩૯ જેમ કે ઠળીયાવાળા બોર, ગોટલીવાળી કેરી વગેરેનો વપરાશ કરવો તે. સચિત્તભાગનો ત્યાગ કરે છે અને અચિત્ત વસ્તુનો ઉપભોગ કરે છે એમ વ્રતપાલનની અપેક્ષા છે પરંતુ વ્રતનો આશય જે જીવરક્ષા છે તે સચવાતો નથી તેથી વ્રતભંગ થાય. એમ આંશિક વ્રતભંગ હોવાથી અતિચાર કહેવાય.
(૩) સચિત્ત સંમિશ્ર આહાર:
કંઈક સચિત્ત જેમાં મિશ્ર કરેલું હોય તેવી વસ્તુનો ઉપયોગ કરવો જેમકે લીંબુ નિચોવેલા દાળ શાક ખાવા, તલ ખસખસવાળા લાડુ ખાવા.
(૪) અભિષવ આહાર :
અભિષવ એટલે વધારે વિકાર, વાસના કરે તેવા માદક પદાર્થો અથવા સૂક્ષ્મ જીવાતવાળા પદાર્થોનો આહાર કરવો.
(૫) દુષ્પક્વ આહારઃ
બરાબર ન રંધાયેલું, કાચુ પાકુ થયેલું ખાવું. જેમ કે મકાઈના ડોડા, અર્ધી ચડેલી કાકડી વગેરે.
ધર્મરત્નપ્રકરણ તથા વંદિતા સૂત્રોમાં ઉપર જણાવેલા પાંચ અતિચારોમાં છેલ્લા ત્રણ અતિચારો કંઈક જુદી રીતે પણ કહેલા છે. એ ત્રણ અતિચારોના નામ છે. અપક્વ આહાર, દુષ્પક્વ આહાર અને તુચ્છૌષધિભક્ષણ
અપક્વઆહાર : પકાવ્યા વિનાનો કાચો આહાર કરવો. દુષ્પક્વઆહાર : અર્ધા પાકેલો અને અર્ધો કાચો આહાર કરવો.
તુચ્છૌષધિભક્ષણઃ તુચ્છ વસ્તુનું ભોજન કરવું. જેમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું વધારે જેમ કે સીતાફળ, શેરડી અથવા જે ખાવાથી તૃપ્તિ ન થાય તે તુચ્છૌષધિ કહેવાય.
શંકા - તુચ્છવસ્તુના ભક્ષણમાં જો તુચ્છ વસ્તુ સચિત્ત હોય તો પ્રથમ અતિચારમાં જ તે સમાઈ જાય છે અને જો અચિત્ત હોય તો તેના ભક્ષણમાં અચિત્ત હોવાથી અતિચાર ન લાગવા જોઈએ.
સમાધાનઃ તમારી વાત સાચી છે. સચિત્ત હોય ત્યારે પ્રથમ અતિચારમાં જ આવી જાય છે. પરંતુ જ્યારે અચિત્ત હોય છે ત્યારે થોડી અચિત્ત વસ્તુ ખવાય છે અને ઘણો ભાગ ફેંકી દેવાનો હોવાથી નિરર્થક લોલુપતાથી જ આ પાપ થાય છે. એટલે તેવી વસ્તુના ભક્ષણમાં રસની લોલુપતા અધિક હોવાથી અતિચાર ગણાય છે.