________________
૧ ૨ ૨
અધ્યાય : ૭, સૂત્ર-૨૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ છતાં અનુભવીની દૃષ્ટિએ અસત્ય છે. એટલે બાહ્યથી સત્ય હોવા છતાં તાત્ત્વિક દૃષ્ટિએ અસત્ય છે.
(૨) રહસ્ય અભ્યાખ્યાન: રહસ્ય એટલે એકાંતમાં બનેલ. અભ્યાખ્યાન એટલે કહેવું. એકાંતમાં કરેલી વાત પ્રગટ કરવી તે. પતિ-પત્ની વચ્ચેની, બે ભાઈઓ વચ્ચેની, બે મિત્રો વચ્ચેની એમ કોઈપણ પાત્રોની મળેલી ગુપ્ત વાત પ્રગટ કરવાથી તેઓ વચ્ચે ક્લેશ, કંકાસ, કજિયો અને કડવાશ થાય છે તેમજ વૈમનસ્ય અને હિંસા થાય છે. અહીં જે હકીકત જાણી તે જ કહી છે તેથી સત્ય હોવાથી બાહ્યદૃષ્ટિએ વ્રતભંગ નથી. પરંતુ પરને પીડાકારી બને છે માટે તત્વદષ્ટિએ વ્રતભંગ થાય છે. તેથી અતિચાર કહેવાય છે.
(૩) કૂટલેખ ક્રિયા: ખોટા લેખ લખવા, ખોટી સહીઓ કરવી, ખોટા કાગળીયા કરવા, ખોટા ચોપડા બનાવવા વગેરે. અસત્ય બોલવું નહીં એવું વ્રત લીધું છે પણ અસત્ય લખવું નહીં એવું વ્રત લીધું નથી એમ સમજી જુઠું લખે તેથી બાહ્યથી વ્રતભંગ નથી પરંતુ તાત્વિક દૃષ્ટિએ બોલવાથી જે નુકશાન થાય તે જ નુકશાન લખવાથી પણ થાય છે માટે વ્રતભંગ છે આથી અતિચાર ગણી શકાય.
(૪) ન્યાસાપહારઃ કોઈએ આપણે ત્યાં પૈસા સાચવવા મૂક્યા હોય અને તેને પચાવી પાડવા. ઉદાહરણ તરીકે કોઇએ ૧૦,૦૦૦ ડોલર આપ્યા હોય પણ સમય જતાં કેટલા આપ્યા છે તે ભૂલી ગયો અને પોતે ૫૦૦૦ ડોલર આપ્યા છે તેમ સમજીને માંગે ત્યારે આપણે ખુલાસો ન કરીએ અને ૫૦૦૦ ડોલર આપીને બાકીના પચાવી પાડવા તે ન્યાસાપહાર અતિચાર કહેવાય. જો કે આ ચોરી કહેવાય છતાં ચોરી છૂપાવવા તેવા અસત્ય મિશ્રિત વાક્યો બોલવાનો પ્રસંગ આવે એ દૃષ્ટિએ એને સત્યવ્રતના અતિચાર તરીકે ગણાય છે. અન્ય ગ્રંથોમાં ન્યાસાપહાર ને બદલે “સહસાવ્યાખ્યાન” નામનો અતિચાર પણ આવે છે. સહસા એટલે ઉતાવળથી અને અભ્યાખ્યાન એટલે બીજા ઉપર આક્ષેપ મૂકવો. વસ્તુસ્થિતિ વિચાર્યા વિના, પુરેપુરું જાણ્યા વિના ઉતાવળીયા સ્વભાવે કોઈના ઉપર આક્ષેપ કરવો તે. જેમ કે આ કામ તમે જ કર્યું છે. તમે જ પાપી છો, તે જ લુચ્ચો છે વગેરે અસત્ય વાતને સત્ય સમજીને વિચાર્યા વિના બોલવું. સહસાવ્યાખ્યાન અતિચારરરૂપ છે પણ જો જાણી જોઈને દુઃખ આપવાના આશયથી ખોટો આરોપ ચઢાવવામાં આવે તો વ્રતભંગ જ ગણાય.
(૫) સાકાર મંત્રભેદ : “સાકાર” એટલે મુખની આકૃતિ, હાવભાવ, શારીરિક ચેષ્ટા, “મંત્ર” એટલે ગુપ્તવાત અને “ભેદ” એટલે પ્રગટ કરવું.