________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૧
૧૧૭ સર્વશંકા અને દેશશંકા.
• સર્વશંકા : મૂળ વસ્તુની જ શંકા કરવી. જેમ કે “પાંચ ભૂતોથી ભિન્ન આત્મા જેવું કોઈ જ તત્ત્વ નથી.” “જગતમાં કોઈ સર્વજ્ઞ નથી.” “મોક્ષ જેવું કંઈ જ નથી.”
• દેશશંકાઃ મૂળ વસ્તુની શંકા ન હોય પણ તે વસ્તુ અમુક રૂપે હશે કે નહિ? એ પ્રમાણે વસ્તુના એક દેશની શંકા તે દેશ શંકા.
જેમ કે આત્મા છે પરંતુ તે નિત્ય કે અનિત્ય ? શરીરવ્યાપી કે સર્વવ્યાપી ? પૃથ્વીકાય વગેરે જીવો હશે કે કેમ ?
આવી આવી શંકા જિજ્ઞાસા બુદ્ધિને બદલે અશ્રદ્ધાની બુદ્ધિથી થાય તો તેને શંકા અતિચાર કહેવાય છે.
(૨) કાંક્ષાઃ વીતરાગ પ્રણિત નિર્દોષ જૈનદર્શન પ્રાપ્ત થવા છતાં કોઈ ચમત્કાર દેખી અન્યદર્શનની ઇચ્છા થવી.
વીતરાગે કહેલા દર્શન સિવાયના બીજા દર્શનની ઇચ્છા તે કાંક્ષા. આ પ્રમાણેની કાંક્ષા ના બે ભેદ છે. સર્વકાંક્ષા અને દેશકાંક્ષા.
સર્વકાંક્ષાઃ સર્વદર્શનો સારા છે, સમાન છે. સર્વદર્શનો મોક્ષમાર્ગ બતાવે છે. એમ સર્વદર્શનોની ઇચ્છા તે સર્વકાંક્ષા.
દેશકાંક્ષા: સર્વ દર્શનોને બદલે કોઈ એક યા બે દર્શનોની ઇચ્છા રાખવી. જેમકે બૌદ્ધ દર્શન શ્રેષ્ઠ છે કેમ કે તેમાં કષ્ટ સહન કર્યા સિવાય ધર્મ કરવાનો ઉપદેશ છે. સ્નાન વગેરેની છૂટ આપી છે.
કાંક્ષાથી વિતરાગે બતાવેલા – કહેલા દર્શનમાં અશ્રદ્ધા પેદા થવાનો સંભવ છે.
(૩) વિચિકિત્સા વિચિકિત્સા એટલે સંશય-સંદેહ અથવા સાધુ અને સાધ્વીજીના જીવન વિષે શંકાઓ કરવી તે.
ધર્મના ફળનો સંદેહ (શંકા) રાખવો. મેં કરેલી તપ વગેરે સાધનાનું ફળ મળશે કે નહિ તેવી શંકા કરવી.
દાન ધર્મનું સેવન કરવાથી મને ફળ મળશે કે નહિ? વિચિકિત્સાનો બીજો અર્થ જુગુપ્સા (ધૃણા).