________________
૧૧૪
અધ્યાય : ૭, સૂત્ર-૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૬) ઉપભોગ-પરિભોગ પરિમાણ :
એક જ વાર ભોગવી શકાય અથવા જે વસ્તુનો શરીરની અંદર ઉપયોગ થાય તે ઉપભોગ જેમ કે આહાર વગેરે.
વારંવાર ભોગવી શકાય કે શરીરની બહાર ભોગવી શકાય તેવી વસ્તુનો ઉપયોગ તે પરિભોગ, જેમ કે વસ્ત્ર.
જેમાં ઉપભોગ અને પરિભોગનું પરિમાણ કરવામાં આવે તે ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત. ટૂંકમાં અતિ સાવદ્ય વસ્તુઓનો સર્વથા ત્યાગ અને અલ્પ સાવદ્યવાળી વસ્તુઓનો ઉપયોગ પણ પરિમાણથી કરવો તે ઉપભોગ-પરિભોગ પરિમાણવ્રત.
આ વ્રત ભોજન સંબંધી અને વ્યવસાય સંબંધી એમ બે પ્રકારે છે.
બાવીસ અભક્ષ્ય, બત્રીસ અનંતકાય, ચલિતરસનું ભોજન વગેરે સાવઘયોગોનો ત્યાગ કરવો, જો ન થઈ શકે તો તેનું માપ નક્કી કરવું. ચૌદ નિયમો ધારી ભોગ્ય વસ્તુ પરિમિત કરવી તે ભોજન સંબંધી વ્રત.
પંદર પ્રકારના કર્માદાનો ત્યજીને આજીવિકા મેળવવી અથવા બની શકે તેટલા ઓછા કર્માદાનોથી આજીવિકા પ્રાપ્ત કરવી તે વ્યવસાય સંબંધી વ્રત ગણાય છે. (૭) અતિથિસંવિભાગ વ્રતઃ
તિથિ-વાર-તારીખ જોઈને આવવા-જવાનો વ્યવહાર જેઓએ ત્યજેલો છે તે અતિથિ. અર્થાત્ તિથિ જોયા વગર જે આવે છે તે અતિથિ. ગૃહસ્થોને આશ્રયીને મુનિ અતિથિ કહેવાય. મુનિઓને ન્યાય નીતિથી મેળવેલી વસ્તુઓનું દાન કરવું તે અતિથિસંવિભાગ વ્રત. આ દાન આપતી વખતે જે ક્ષેત્રે અને જે કાળે વધુ ઉપકારી અને ઉપયોગી હોય તેવી વસ્તુનું દાન કરવું. હૃદયની શ્રદ્ધા-સત્કારપૂર્વક દાન કરવું તે અતિથિ સંવિભાગ કહેવાય છે.
પ્રથમ દિવસે શ્રાવકે ચૌવિહાર અથવા તિવિહાર ઉપવાસથી પૌષધ કરીને પારણામાં બીજા દિવસે એકાસણાનું તપ કરીને મુનિને વહોરાવવું અને તેઓ જે વહોરે તે જ દ્રવ્યોનો શ્રાવકે એકાસણામાં ઉપયોગ કરવો. જે વસ્તુઓનું મુનિના પાત્રમાં દાન ન થયું તેનો ત્યાગ કરવો. આવો દાન આપવાનો ભાવ તે અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે.