________________
અધ્યાય : ૭, સૂત્ર-૧૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અદત્ત એટલે નહિ આપેલ અને આદાન એટલે ગ્રહણ કરવું. જે વસ્તુ આપણી માલિકીની નથી પરંતુ પરની માલિકીની છે, તે વસ્તુનું માલિકની રજા વિના ગ્રહણ કરવું તે વ્યવહારથી ચોરી છે. તક ન મળવાથી વસ્તુ ગ્રહણ ન કરીએ પણ વસ્તુ ગ્રહણ કરવાના પરિણામ સતત ચાલુ હોય તે નિશ્ચયથી ચોરી છે.
અદત્તના ચાર ભેદ છે.
(૧) સ્વામી અદત્ત ઃ માલિકની રજા વિના વસ્તુ લેવી પછી ભલે તે સામાન્ય વસ્તુ હોય. તેને સ્વામી અદત્ત કહેવાય છે.
૧૦૪
(૨) જીવ અદત્ત : માલિકે રજા આપી હોય તો પણ જે વસ્તુ સચિત્ત અર્થાત્ જીવયુક્ત હોય તો ગ્રહણ કરી ન શકાય. તે વસ્તુનો માલિક તેમાં રહેલો જીવ છે. તેથી તેને જીવ અદત્ત કહેવાય છે.
(૩) તીર્થંકર અદત્ત : માલિકની રજા હોય અને વસ્તુ અચિત્ત હોય પરંતુ તીર્થંકર પરમાત્માની અર્થાત્ શાસ્ત્રની આજ્ઞા ન હોય તો તે વસ્તુ ગ્રહણ કરવામાં તીર્થંકર અદત્તનો દોષ લાગે.
જેમ કે સાધુના જ નિમિત્તે તૈયાર થયેલો આહાર સાધુથી ન લેવાય. જો લે તો તીર્થંકર અદત્ત કહેવાય. કારણ કે, તીર્થંકરોએ સાધુ માટે તૈયાર કરેલ આહાર-પાણી લેવાનો નિષેધ કર્યો છે.
(૪) ગુરુ અદત્ત : હંમેશાં ગુરુની અનુજ્ઞાપૂર્વક જ નિર્દોષ આહાર-પાણી આદિ ગ્રહણ કરવા જોઈએ.
(૧) દાતાએ ભક્તિથી આપેલ છે માટે સ્વામી અદત્ત નથી.
(૨) આપેલી વસ્તુ અચિત્ત છે માટે જીવ અદત્ત નથી.
(૩) આહાર-પાણી નિર્દોષ છે માટે તીર્થંકર અદત્ત પણ નથી.
પરંતુ જો ગુરુની અનુજ્ઞા ન લીધી હોય અથવા ગુરુની મનાઈ હોવા છતાં પણ ગ્રહણ કરે તો ગુરુ અદત્તનો દોષ લાગે.
ગામમાં, નગરમાં, કે પોળમાં કે એક રસ્તા ઉપરથી બીજા રસ્તા ઉપર પ્રવેશ કરતા મુનિ મહાત્માઓ પરની સંમતિ લીધા વગર, પ્રવેશ, નિર્ગમન અને વિહાર કરી શકે છે છતાં અદત્તાદાનનો દોષ લાગતો નથી કારણકે તેમ કરવામાં પ્રમાદયોગ નથી.