________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૮
૧૦૧ ધારો કે કોઈ મુનિ ઈર્ષા સમિતિ સાચવીને જયણા પૂર્વક વિહાર કરે છે. છતાં કોઈ સુક્ષ્મ જીવ પગ નીચે આવી જાય છે અને મૃત્યુ પામે છે અથવા ઈજા પામે છે તો પણ મુનિ હિંસક ગણાતા નથી. અહીં દ્રવ્યહિંસા છે પણ ભાવહિંસા નથી.
તંદુલીયો મત્સ્ય હિંસાના પરિણામરૂપ ભાવહિંસાથી નરકમાં જાય છે. દ્રવ્યહિંસા લૌકિક છે જ્યારે ભાવહિંસા લોકોત્તર છે.
જ્યાં જ્યાં ભાવહિંસા હોય છે ત્યાં ત્યાં દ્રવ્યહિંસા હોય તો પણ અને દ્રવ્યહિંસા ન હોય તો પણ જીવ વિભાવદશામાં ગયો એટલે હિંસક કહેવાય છે. આથી ઉછું જ્યાં ભાવહિંસા નથી ત્યાં ઉપયોગપૂર્વક જયણાયુક્ત પ્રવૃત્તિ હોવાથી દ્રવ્યહિંસા પ્રાયઃ થતી નથી અને કદાચ થાય તો પણ અલ્પમાત્રાએ જ થાય છે. જેનું નિંદા-ગહ અને આલોચના વગેરે પ્રાયશ્ચિત્તથી શુદ્ધિકરણ થઈ શકે છે.
શંકાઃ સૂત્રમાં પ્રાણના વિયોગને હિંસા કહી છે પણ આ પ્રાણો આત્માથી જુદા છે. પ્રાણોના વિયોગથી આત્માનો વિનાશ થતો નથી. તો પછી પ્રાણોના વિયોગને દોષપાપ કે અધર્મરૂપ શા માટે કહ્યા?
સમાધાનઃ જરાક સમજવા પ્રયત્ન કરો. પ્રાણના વિયોગથી આત્માનો નાશ થતો નથી પણ દુઃખ અવશ્ય થાય છે. દુ:ખની અનુભૂતિને કારણે જ પ્રાણ વિયોગને અધર્મ (પાપ) કે દોષરૂપ ગણેલ છે. અન્યને દુઃખ આપવું એ પણ અધર્મ અર્થાત્ હિંસા જ છે.
શંકા : નિશ્ચય હિંસા અને વ્યવહાર હિંસા કોને કહેવાય ?
સમાધાન: બીજાને દુઃખ આપવું એ નિશ્ચય હિંસા છે અને પ્રાણનો વિયોગ એ વ્યવહાર હિંસા છે. વ્યવહાર હિંસા એ નિશ્ચય હિંસાનું કારણ છે, માટે તેનાથી પાપ લાગે છે. નિશ્ચય હિંસા એ જ ભાવહિંસા અને વ્યવહાર હિંસા એ દ્રવ્યહિંસા.
આત્માના ગુણોનો ઘાત એ ભાવહિંસા છે. પોતાના આત્માના ગુણોનો ઘાત એ સ્વ-ભાવ હિંસા છે અને પર ના આત્માના ગુણોના ઘાતમાં નિમિત્ત બનવું એ પર-ભાવ હિંસા છે. અર્થાત્ પોતે રાગ-દ્વેષ કરવા એ સ્વ-ભાવહિંસા છે અને બીજા જીવને રાગદ્વેષ થવામાં નિમિત્ત બનવું એ પર-ભાવ હિંસા છે. દ્રવ્યહિંસા ૧૩ મા ગુણસ્થાનક સુધી હોય છે. ૧૪ મા ગુણસ્થાને રહેલા જીવો તથા સિદ્ધના જીવો દ્રવ્ય કે ભાવ એમ બન્ને હિંસાથી રહિત હોય છે.