________________
અધ્યાય : ૭, સૂત્ર-૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
કષાયોમાં જેટલી મંદતા થાય છે તેનાથી નિર્જરા થાય છે. મંદ એવા પણ જે અલ્પ કષાયો રહ્યા છે, તેનાથી પુણ્યનો આશ્રવ થાય છે.
૯૬
(૧) મૈત્રીભાવના : કોઈપણ જાતના સ્વાર્થ વિના અને કોઈપણ જાતના ભેદભાવ વિના, જગતના સર્વ જીવો ઉપર પ્રીતિ એ મૈત્રી છે. સાચા મિત્રના હૃદયમાં પોતાના મિત્રને દુઃખ આપવાની, ખોટું બોલીને તેને ઠગવાની, ચોરી કરીને તેનું ધન પડાવી લેવાની ભાવના ન હોય. મૈત્રી એટલે મિત્રતા કરવી તે મૈત્રી ભાવના એવો અર્થ ન કરવો. પરંતુ શત્રુતા ન કરવી કે શત્રુતા ન રાખવી તે મૈત્રી એવો નિષેધાત્મક અર્થ કરવો. કારણકે જેમ દ્વેષ છોડવા જેવો છે તેમ રાગ પણ છોડવા જેવો છે. માટે જ વંદિતા સૂત્રમાં “મિત્તિ મે સવ્વભૂએપુ” નો અર્થ “વેર મખ્ખું ન કેણઇ’’ કર્યો છે.
(૨) પ્રમોદભાવના : પ્રમોદ એટલે માનસિક હર્ષ, આનંદ. જેમનામાં સામાન્યથી કંઈક વિશેષ ગુણ છે તેવા (ગુણાધિક) અને સ્વની અપેક્ષાએ અધિક ગુણીયલ કહીએ તો પોતાનાથી ચઢિયાતા ગુણવાળા જીવો પ્રત્યે આનંદ થવો.
સમ્યક્ત્વ-જ્ઞાન-ચારિત્ર-તપ-વૈયાવચ્ચ આદિથી અધિક મહાન ગુણવાન આત્માઓને વંદન, ગુણપ્રશંસા, વૈયાવચ્ચ કરવાથી પ્રમોદ અર્થાત્ માનસિક હર્ષ થાય છે. જો ગુણથી અધિક આત્માને જોઈને કે સાંભળીને આનંદ ન થાય તથા વંદન કરવાનું કે બહુમાન કરવાનું મન ન થાય તો સમજવું કે હજી પ્રમોદભાવના આવી નથી. પ્રમોદભાવના ના અભાવે બીજાના ગુણોના દર્શનથી કે શ્રવણથી ઈર્ષ્યાનો અગ્નિ હૃદયમાં ભભૂકે છે. પરિણામે હિંસા, જૂઠ આદિ પાપો પણ ઉત્પન્ન થવાની શક્યતા રહે છે. પ્રમોદભાવના આત્મામાં રહેલા ગુણોને પ્રગટાવવાનો સુંદર ઉપાય છે. આત્મામાં ગુણો ઓછા હોય એ ચાલી શકે, પણ પ્રમોદ ભાવના વિના ન ચાલી શકે. પ્રમોદભાવના વિના પોતાનામાં રહેલા ગુણોની પણ કોઈ કિંમત રહેતી નથી.
(૩) કરુણાભાવના : કરુણા, દયા, અનુકંપા, કૃપા, અનુગ્રહ વગેરે પર્યાયવાચી શબ્દો છે. કરુણા બે પ્રકારની છે. દ્રવ્ય કરુણા અને ભાવ કરુણા.
દ્રવ્ય કરુણા : રોગ વગેરે બાહ્ય દુઃખોથી ઘેરાયેલા જીવોને જોઈને ઉત્પન્ન થતી કરુણા તે દ્રવ્યકરુણા છે. દ્રવ્ય કરુણાને યોગ્ય જીવોને ઔષધ, અન્ન વગેરે આપીને તેના દુઃખને દૂર કરવાની ભાવના રાખવી.