________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૫
૯૩ સૂત્ર (૭-૫) પ્રયોજનઃ હિંસા વગેરે પાપો સ્વયં દુઃખરૂપ જ છે તે જણાવે છે.
दुःखमेव वा ૭-૫ દુઃખમેવ વા ૭-૫
દુઃખમ્ એવ વા ૭-૫ શબ્દાર્થ દુઃખ = દુઃખ, એવ = જ, વા = અથવા. સૂત્રાર્થ અથવા (હિંસાદિ પાપોમાં) દુઃખ જ છે એમ વિચારવું)
ભાવાર્થ : ચોથા સૂત્રની (૭-૪ની) ભાવનામાં હિંસા વગેરે દુઃખના કારણ છે એ વિચારણા કરવામાં આવી છે. જયારે આ સૂત્રની ભાવનામાં હિંસા વગેરે પાપો સ્વયં દુઃખરૂપ જ છે એમ વિચારવાનું છે.
સૂત્ર (૭-૪) ની ભાવનામાં હિંસાદિ પાપો પોતાના દુઃખના કારણે છે એ વિચારણાની પ્રધાનતા છે. જ્યારે આ સૂત્રની ભાવનામાં હિંસાદિથી અન્યને પણ દુઃખ થાય છે. એ વિચારણાની પ્રધાનતા છે. માટે હિંસાદિ કાર્યો દુઃખ સ્વરૂપ જ છે.
(૧) હિંસા :
જેવી રીતે મને દુ:ખ અનિષ્ટ (અપ્રિય) છે તેવી જ રીતે બધા પ્રાણીઓને દુઃખ અનિષ્ટ છે. મારા ઉપરની હિંસાથી જેમ મને દુઃખ થાય તેમ હું બીજાની હિંસા કરું તો તેને પણ દુઃખ કેમ ન થાય?
ભાવના:- વધ, બંધન છેદન આદિ જેવા મને પીડાકારી છે તેવા બધાને દુઃખદાયી છે તેમ વિચારી હિંસાનો ત્યાગ કરવો એ જ કલ્યાણકારી છે.
(૨) અસત્ય, જૂઠ, મિથ્યાભાષણ :
મારા ઉપર કોઈ જૂઠું આળ મૂકે (દોષિત ગણે) તો મને તીવ્ર દુઃખ થાય તે રીતે હું બીજાને દોષિત કહું કે તેના ઉપર આળ મુકું તો બીજાને પણ દુઃખ થાય તે સ્વભાવિક છે, આવું વિચારવું.
ભાવના :- અસત્ય વચન કે જૂઠા આળથી મારા જેટલું જ દુઃખ અન્યને થતું હોવાથી તેવા પાપથી વિરમવું (અટકવું) એ જ કલ્યાણકારી છે.