________________
૨૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૬ શબ્દાર્થ: પ્રમાણ = જેના વડે પદાર્થોનો યથાર્થ બોધ થાય તે, નય = જેનાથી વસ્તુમાં રહેલા કોઇ એક ધર્મનો નિર્ણયાત્મક બોધ થાય તે, અધિગમ = બોધ, જ્ઞાન.
સૂત્રાર્થ : પ્રમાણ અને નયો વડે (તત્ત્વોનો) અધિગમ એટલે કે બોધ થાય છે.
ભાવાર્થ : જેનાથી વસ્તુનો નિર્ણયાત્મક બોધ થાય તેને જ્ઞાન કહેવાય છે. કોઈપણ વસ્તુનો નિર્ણયાત્મક બોધ પ્રમાણ અને નય દ્વારા થાય છે. વસ્તુને સર્વ ધર્મથી જાણવાની દૃષ્ટિને પ્રમાણ કહેવાય છે. વસ્તુને કોઈપણ એક ધર્મથી જાણવાની દૃષ્ટિ અને તેમાં બીજા ધર્મો હોવા છતાં પણ તે ધર્મોની ત્યાં ઉપકારકતા ન હોવાથી તેને ગૌણ કરવાની દૃષ્ટિને નય કહેવાય છે.
દા.ત., “આત્મા નિત્યાનિત્ય છે એ પ્રમાણ વાક્ય છે. આ વાક્યથી આત્માને નિત્ય રૂપે અને અનિત્ય રૂપે એમ પૂર્ણરૂપે બોધ થાય છે. જ્યારે “આત્મા નિત્ય છે” એ વાક્યથી આત્માનો માત્ર નિત્યરૂપે બોધ થાય છે. એ જ પ્રમાણે “આત્મા અનિત્ય છે એ વાક્યથી આત્માનો અનિત્યરૂપે બોધ થાય છે.
બીજા ઉદાહરણથી વિચારીએ : જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ
જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે તે પ્રમાણ વાક્ય છે, જ્ઞાનેન મોક્ષઃ જ્ઞાનથી મોક્ષ થાય છે તે નય વાક્ય છે. ક્રિયયા મોક્ષઃ ક્રિયાથી મોક્ષ થાય છે. આ પણ નય વાક્ય છે. કારણ કે અંશે અંશે જ્ઞાન પણ મોક્ષનું કારણ છે. તથા અંશે અંશે ક્રિયા પણ મોક્ષનું કારણ છે.
પ્રમાણના બે ભેદ છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. ઈન્દ્રિયાદિ બાહ્ય આલંબન વિના આત્માને જે સાક્ષાત્ જ્ઞાન થાય તે પ્રત્યક્ષ અને ઈન્દ્રિયાદિ બાહ્ય આલંબનથી જે જ્ઞાન થાય તે પરોક્ષ. પ્રત્યક્ષ પ્રમાણમાં અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એમ ત્રણ જ્ઞાનો આવે છે. પરોક્ષ પ્રમાણમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એમ બે જ્ઞાનો આવે છે.
શંકાઃ કેટલીકવાર એવું બને છે કે, એક ગુરુ એક વ્યક્તિને માત્ર જ્ઞાન ઉપર ભાર મૂકીને સમજાવે અને તે જ ગુરુ બીજી વ્યક્તિને માત્ર ક્રિયા ઉપર ભાર મૂકીને સમજાવે આવું કેમ ?
સમાધાનઃ તમે ગુરુની નય દૃષ્ટિને બરાબર સમજ્યા નથી. પહેલી વ્યક્તિ માત્ર ક્રિયાની પક્ષપાતી છે. અર્થાત્ માત્ર ક્રિયાવાદી છે. તેને જ્ઞાનનું મહત્ત્વ આપીને સમજાવે તે યોગ્ય છે.