________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૨
૮૩ સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રત એટલે નિરપરાધી ત્રસજીવોની સંકલ્પપૂર્વક નિરપેક્ષ (નિષ્કારણ) હિંસાનો ત્યાગ.
ઉપરના લોચાર્ટની વિશેષ સમજુતી (૧) સાધુને ત્રસ અને સ્થાવર બંને પ્રકારના જીવોની હિંસાનો ત્યાગ છે જ્યારે શ્રાવકને ત્રસ જીવોની હિંસાનો ત્યાગ છે. ગૃહસ્થપણામાં સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ અશક્ય છે એટલે સ્થાવરની જયણા હોય છે. હિંસા ઓછી થાય. તે રીતે ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરવાની હોય છે.
ધારોકે સાધુને આ વ્રત વીસ વસા (એક માપ છે) જેટલું ગણવામાં આવે તો શ્રાવકને દસ વસા જેટલું પ્રમાણ થયું. અથવા ૧૦૦ ટકા મહાવ્રત પાલનની અપેક્ષાએ ૫૦ ટકા થયું.
(૨) ત્રસ જીવોની હિંસા પણ બે પ્રકારે છે. સંકલ્પથી અને આરંભથી.
ગૃહસ્થોને (શ્રાવકોને) આરંભજન્ય હિંસાની જયણા હોય છે સંકલ્પથી એટલે કે મારવાની બુદ્ધિથી હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. મારવાની બુદ્ધિ ન હોવા છતાં ખેતી રસોઈ વગેરે પ્રવૃત્તિમાં અજાણતા ત્રસ જીવો હણાઈ જાય તો તે આરંભજન્ય હિંસાનો ત્યાગ થતો નથી. એટલે ગૃહસ્થોને દશ વસામાંથી ફક્ત પાંચ વશાનું (અથવા ૨૫ ટકા) પ્રમાણ રહેશે.
(૩) સંકલ્પજન્ય હિંસા બે પ્રકારે છે. અપરાધી અને નિરપરાધી. તેમાં પણ નિરપરાધી જીવોની જ હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. કોઈ ગુંડો સ્ત્રી સાથે છેડતી કરતો હોય, અથવા ચોર ઘરમાં દાખલ થયો હોય અથવા હિંસક પ્રાણી હુમલો કરે વગેરે પ્રસંગોમાં અપરાધીને યોગ્ય શિક્ષા કરતા સ્થૂલહિંસા થઈ જાય છે. અપરાધીને મારવો પડે તો તેમાં થતી હિંસાનો ત્યાગ ગૃહસ્થ કરી શકતો નથી. એટલે અઢીસા (અથવા ૧૨.૫ ટકા) પ્રમાણ બાકી રહેશે.
(૪) નિરપરાધી ને શિક્ષા પણ નિષ્કારણ અને સકારણ બે રીતે હોઈ શકે છે. જેમકે પશુને પાળેલા હોય કે ખેતી વગેરેના કામમાં રોકેલા હોય તો તેને સજા કરવી પડે એ જ રીતે કામ કરનાર નોકરોને પણ સજા કરવી પડે છે તેને કારણે સકારણ હિંસા કહી છે. નિરપરાધી આવી સકારણ હિંસાની ગૃહસ્થને જયણા હોય છે જ્યારે નિરપરાધી પ્રાણીને વિના કારણે નિર્દયતાથી મારવું તે નિષ્કારણ હિંસા છે તેનો ત્યાગ કરવાનો છે.