________________
છઠ્ઠા અધ્યાયનો સંક્ષિપ્ત સાર
અધ્યાય ૧ થી ૫ સુધીમાં જીવ અને અજીવ બે તત્ત્વોની ચર્ચા પછી હવે છઠ્ઠા અધ્યાયમાં આશ્રવનું સ્વરૂપ જણાવે છે. આશ્રવ એ જીવની વૈભાવિક અવસ્થા છે. પછી તે પાપરૂપે હો કે પુણ્યરૂપે હો. આશ્રવ એ તત્ત્વદૃષ્ટિએ મિથ્યા આચરણ છે. જીવને બંધનું કારણ છે.
આઠે કર્મબંધના કારણો તથા ચારે ગતિનું આવાગમન થવાના કારણોનું આ અધ્યાયમાં આશ્રવ તરીકે નિરૂપણ કર્યું છે. જીવાદિ તત્ત્વો આમ તો જીવની ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે. દરેકનું પરિણમન સ્વતંત્ર હોવા છતાં, તે તે તત્ત્વોનો જીવ સાથે નિમિત્ત સંબંધ છે. જો આ સાત તત્ત્વોમાંથી જીવનો અન્ય સાથે સંયોગ સંબંધ ન હોત તો એ તત્ત્વોનું અસ્તિત્વ પણ ન હોત. આવો જીવ અને પુદ્ગલનો સંબંધ એ જીવની સંસારયાત્રા છે.
આ સાત તત્ત્વોમાં, જો પુણ્યાશ્રવ અને પાપાશ્રવને અલગ ગણીએ તો કુલ નવ તત્ત્વો થાય છે. આ નવ તત્ત્વમાં પ્રથમ તો જ્ઞેય, ઉપાદેય અને હેયનો વિનિમય થઈ જાય તો શ્રદ્ધાનું યથાર્થ પરિણમન થાય.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સવર, નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વ છે. તેમાં વાસ્તવમાં મોક્ષ જ ઉપાદેય છે. પરંતુ જીવ મોક્ષ સ્વરૂપ હોવાથી અને મોક્ષનું નિમિત્ત સંવર નિર્જરા હોવાથી જીવને સંવર, નિર્જરા અને મોક્ષ આ ત્રણે તત્ત્વો ઉપાદેય છે.
પરભાવ જીવને બંધનું કારણ છે. બંધનું કારણ આશ્રવ છે. માટે જીવે આશ્રવ અને બંધ છોડવા જેવા છે. આ પ્રમાણે ઉપાદેય એટલે વિધિ અને હેય એટલે નિષેધરૂપ ધર્મનું વિધાન છે. વિધિ એ નિશ્ચય દૃષ્ટિયુક્ત છે. નિષેધ એ વ્યવહાર દષ્ટિયુક્ત છે. વાસ્તવમાં ધર્મ નિશ્ચયદષ્ટિમાં છે. જેમ ક્રોધ ન કરવો એ ધર્મ છે. આ વિધાન નિષેધાત્મક હોવાથી વ્યવહાર કથન છે, તેનાથી ધર્મની પ્રાપ્તિ ન થાય, વળી કોઈકવાર બહારથી શાંત રહે પણ અંતરમાં ક્રોધનું પરિણમન ચાલુ રહે.