________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૨૬
૬૩ છતાં અમુક-અમુક આશ્રવોથી અમુક-અમુક કમ બંધાય છે એવું કથન રસબંધને આશ્રયીને કરવામાં આવ્યું છે. અર્થાત્ તે-તે આશ્રવોથી તે-તે કર્મનાં રસ વધારે પડે અને અન્ય કર્મોમાં રસ બહુ જ ઓછો પડે. એક વાત સમજી રાખો કે ચાર પ્રકારના બંધમાં (પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ આ ચારે બંધમાં) રસબંધ મુખ્ય છે.
ઉદાહરણ તરીકે – સૂત્ર ૬-૧૩માં જણાવ્યા પ્રમાણે દાન દેવાથી સાતાવેદનીય કર્મનો આશ્રવ થાય છે. તેનો અર્થ એ કે દાન દેવાથી સાતાવેદનીયકર્મમાં રસબંધ વધુ પડે છે પણ તે સમયે સાથે સાથે જ્ઞાનાવરણીય આદિ શુભ-અશુભ બીજી કર્મપ્રકૃતિનો બંધ થાય છે પણ તે બધામાં રસબંધ ઓછો થાય છે.
શંકા : સંયમ, દેશવિરતિ આદિ દેવગતિના આશ્રવ હોવાથી તેમને ધર્મ કેમ કહેવાય ?
ધર્મનું મુખ્ય ફળ મોક્ષ છે. મોક્ષ એ કર્મના સંવરથી અને નિર્જરાથી થાય, એટલે જે સંવર અને નિર્જરાનું કારણ બને તે જ ધર્મ કહેવાય. દેવગતિ આદિનું કારણ બને તેને ધર્મ કેમ કહેવાય ?
સમાધાન : કોઇ પણ પ્રરૂપણા નિશ્ચય અને વ્યવહાર એ બે નયોથી થાય છે. અહીં જો નિશ્ચયનયથી વિચારવામાં આવે તો દેશવિરતિ આદિ ધર્મ, સંવર અને નિર્જરાનું જ કારણ છે.
પરંતુ વ્યવહારનયને આશ્રયીને દેશવિરતિ આદિને દેવગતિ આદિના કારણ તરીકે જણાવવામાં આવે છે. દેવગતિનું કારણ સંયમ આદિ ધર્મ નથી પરંતુ તેમાં રહેલી કષાયની શુભપરિણતિ છે. એટલે દેવગતિ આદિ કર્મના આશ્રવનું કારણ પ્રશસ્ત રાગદ્વેષની પરિણતિ છે. સંયમ આદિમાં જેટલા અંશે રાગ-દ્વેષ તેટલા અંશે તે આશ્રવનું કારણ બને છે. પ્રશસ્ત રાગ-દ્વેષ શુભ આશ્રવનું અને અપ્રશસ્ત રાગ-દ્વેષ અશુભ આશ્રવનું કારણ બને છે. છતાં ઉપચારથી સંયમ આદિને દેવગતિ આદિના આશ્રવ કહેવામાં આવે છે.
શંકાઃ આગળની શંકાનું સમાધાન કરતા તમે કહ્યું કે ધાર્મિક અનુષ્ઠાનો સંવર અને નિર્જરાના અર્થાતુ મોક્ષના જ કારણો છે. પરંતુ ધર્મ સાથે રહેલી રાગ-દ્વેષની પરિણતિ આશ્રવનું કારણ બને છે.