________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૨૩
૫૩ ત્યાગ, (૭) યથાશક્તિ તપ, (૮) સંઘ-સાધુને સમાધિ, (૯) સંઘ-સાધુની વૈયાવચ્ચ, (૧૦) અરિહંત પ્રભુની ભક્તિ, (૧૧) આચાર્યની ભક્તિ, (૧૨) બહુશ્રુતની ભક્તિ, (૧૩) પ્રવચન ભક્તિ, (૧૪) આવશ્યક અનુષ્ઠાનનો ત્યાગ ન કરવો, (૧૫) મુક્તિમાર્ગની પ્રભાવના અને (૧૬) પ્રવચન પ્રત્યેની વાત્સલ્યતા. આ સોળ તીર્થંકરનામકર્મના આશ્રવો
ભાવાર્થ : ઉપર કહેલા ૧૬ પ્રકારના શુભ ભાવો અને શુભ આચરણો એ સ્વપરના ઉપકારના કારણભૂત હોવાથી ઉંચા પ્રકારના શુભ ભાવો છે. તેથી સૌથી ઉંચા પ્રકારનું પુણ્ય જે તીર્થંકરનામકર્મ છે તેના બંધનું કારણ આ શુભભાવો બને છે. અહીં એક ખુલાસો જરૂરી છે. સંઘના સાધર્મિક મિત્રો મોટાભાગે એમ સમજે છે કે વીશ સ્થાનકની આરાધના કરવાથી જિનનામ બંધાય છે. એટલે જિનનામ બાંધવા માટે જ વીશસ્થાનકની આરાધના કરતા હોય છે પરંતુ આ વાત બરાબર નથી, કારણ કે આરાધના કદાપિ કર્મબંધ કરવા માટે કરાતી નથી. આરાધનાથી તો નિર્જરા જ થાય છે. આરાધના કરતાં કરતાં પુણ્ય બાંધવાનો પરિણામ રાખવો એ પણ ઉચિત નથી. એ વીશ પદોએ જેમ પરોપકાર કર્યો છે અથવા પરનો ઉપકાર કરવાનું કારણ છે તેમ આરાધના કરતા કરતા તેના પગલે અનુસરીને પરનો ઉપકાર કરવાનું સમસ્ત જીવરાશિને સંસારથી તારવાનું મન થાય છે એવો મનમાં આવેલો પરોપકાર કરવા રૂપ શુભ ભાવ એ જ પ્રશસ્ત રાગ છે, અને એ જ તીર્થંકરનામ કર્મ જેવા શ્રેષ્ઠ પુણ્યબંધનું કારણ બને છે. આવા ભાવો ઇચ્છાથી આવતા નથી પરંતુ આરાધના કરતા કોઈ મહાત્માને પ્રકૃતિભાવે આવી જાય છે અને જ્યારે આવી જાય છે ત્યારે તે લાગણીરૂપ રાગદશા હોવાથી જિનનામ બંધાઈ જાય છે. જિનનામકર્મ બાંધવા ના ઉદ્દેશથી પ્રવૃત્તિ કરતા નથી. અનાજ વાવતા ઘાસ ઉગી જાય છે. ઘાસ ઉગાડવા કોઈ અનાજ વાવતું નથી. તેમ બંધનું લક્ષ્ય રાખીને આવા મહાત્માઓ આરાધના કરતા નથી, પરંતુ આરાધના કરતા પરના ઉપકારના શુભ ભાવો (પ્રશસ્ત રાગ) થઈ જવાથી જિનનામ બંધાઈ જાય છે. આ જિનનામના બંધના કુલ ૧૬ કારણો આ સૂત્રમાં કહ્યા છે. પરંતુ તે સોળ કારણોમાં દર્શનવિશુદ્ધિ એ જ પ્રધાન કારણ છે. દર્શનવિશુદ્ધિ હોય તો જ શેષ પંદરમાંના યથાયોગ્ય જે જે હોય તે જિનનામના બંધના કારણો બને છે. પરંતુ દર્શનવિશુદ્ધિ ન હોય તો તે કારણ બનતા નથી, સોળે કારણોનો અર્થ આ પ્રમાણે છે.