________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૨૨
૫૧ આ રીતે વચનયોગ વક્રતા સ્વવિષયક છે જ્યારે વિસંવાદન એ પર વિષયક પ્રવૃત્તિ છે.
સૂત્ર (૬-૨૨) પ્રયોજન - શુભનામકર્મના આશ્રયો જણાવે છે.
तविपरीतं शुभस्य ६-२२ તવિપરીત શુભસ્ય ૬-૨૨
તદ્ વિપરીત શુભસ્ય ૬-૨૨ શબ્દાર્થ તદ્ = તેનાથી વિપરીત = વિપરીત, વિરુદ્ધ, શુભસ્ય = શુભના.
સૂત્રાર્થ : તેનાથી (અશુભ નામ કર્મના આશ્રવોથી) વિપરીત ભાવો શુભનામ કર્મના આશ્રવો છે.
ભાવાર્થ : સૂત્ર (૬-૨૧)માં કહેલા બંને કારણોથી વિપરીત કારણો શુભનામ કર્મના આશ્રવ કરાવે છે. મન-વચન-કાયાની સાચી પ્રવૃત્તિ, જયાં બનાવટ નથી તથા લીધેલા નિયમોમાં ઇચ્છા મુજબ ફેરફારો નથી એટલે કે યોગોની અવક્રતા અને અવિસંવાદન તે શુભનામ કર્મના આશ્રવો છે.
અવક્રતા એટલે, જે મનમાં હોય તે જ વચનમાં હોય અને તે જ કાયાની પ્રવૃત્તિમાં પણ જણાતું હોય તેને અવક્રતા એટલે યોગની સરલતા કહેવાય છે.
અવિસંવાદન એટલે? • બે વચ્ચે ભેદ હોય તો પણ તે દૂર કરી એકતા કરાવવી. • આડે રસ્તે જનારને સીધે રસ્તે ચઢાવવો. • પૂર્વે સ્વીકારેલ હકીક્તમાં કાલાન્તરે પણ ફેરફાર ન કરવો. • મિથ્યાત્વમાં પડેલા જીવને સમ્યક્ત પ્રતિ લઈ જવો.
સાર: જો શુભ ગતિ, શુભ જાતિ, શુભ સંસ્થાન, શુભ સંઘયણ, શુભ અંગોપાંગ, શુભ સ્વર વગેરે અનેક શુભ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તો સૂત્રમાં જણાવ્યા પ્રમાણે યોગોની અવક્રતા (સરળતા) અને અવિસંવાદન જેવી પ્રવૃત્તિ કરવી જોઈએ.