________________
અધ્યાય : ૬, સૂત્ર-૧૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ શંકાઃ સૂત્ર (૬-૧૩) માં અનુકંપા શબ્દથી પ્રાણી સાથે વ્રતીનો સમાવેશ થઈ જ જાય છે. પછી ““ભૂત-અનુકંપા” અને ““વ્રતી-અનુકંપા” એમ બે અલગ અલગ કેમ
મૂક્યા ?
સમાધાન : ભૂત-અનુકંપા કહેવાથી જગતના સર્વે પ્રાણીઓ પ્રત્યેની દયા કે અનુકંપામાં વ્રતધારી (વ્રતી)ની અનુકંપાનો પણ સમાવેશ થઇ જ જાય છે. પરંતુ અહીં
વ્રતી-અનુકંપા” જુદું મૂકવું તે તેની વિશેષતાને જણાવવા માટે છે. અર્થાત્ સામાન્ય પ્રાણીઓ કરતા વ્રતધારી પ્રત્યે અનુકંપા એટલે કે વિશેષ ભક્તિ વાત્સલ્ય ભાવ. તે જણાવવા માટે તેમનું અલગ ગ્રહણ કર્યું છે.
શંકા : ચારિત્ર બે પ્રકારે છે. (૧) વીતરાગ ચારિત્ર, (૨) સરાગ ચારિત્ર.
સરાગ ચારિત્ર કંઇક અંશે મોહનીયના બંધનું કારણ છે. નહીં તો અહીં સરાગ સંયમને સાતવેદનીયકર્મના આશ્રવનું કારણ કેમ કહ્યું?
સમાધાન : ખરેખર ચારિત્ર એ આશ્રવ કે બંધનું કારણ ન જ હોય. અહીં આશ્રવનું કારણ રાગ છે. સરાગ ચારિત્રમાં ““સરાગ” અર્થાત્ રાગપણે એ સાતાવેદનીયકર્મના આશ્રવ માટે નિમિત્ત છે. પણ તે સરાગપણું ચારિત્ર સાથે સંકળાયેલું હોવું જોઇએ. તે મહત્ત્વની વાત છે. આ વાત એક દષ્ટાંતથી સમજીએ.
ચોખા બે પ્રકારે હોય. (૧) ફોતરા સહિત અને (૨) ફોતરા રહિત. ફોતરા એ ચોખા નથી પણ ચોખા સાથે સંકળાયેલા હોવા છતાં છેલ્લે ફેંકી દેવાની વસ્તુ છે.
કોઈ ડાહ્યો માણસ લાંબા સમયનો સંગ્રહ કરવા ફોતરા સહિત ચોખા લઈને સાચવે તે જોઇને કોઇ ભોળો માણસ ફોતરાને જ સત્ત્વ માનીને સંગ્રહ કરે તો?
એ રીતે સરાગપણે એ સંયમ નથી. પણ સંયમ સાથે સંકળાયેલ સંયમનો દોષ છે. અંતે તો સરાગપણું પણ છોડવાનું જ છે તો જ વીતરાગ સંયમ પ્રાપ્ત થશે. હવે જો કોઈ સમ્મસ્વી વ્યક્તિ પ્રશસ્ત રાગ સહિત ચારિત્ર ધારણ કરી વીતરાગતા પ્રાપ્તિની ભાવના ધરાવતો હોય તો તેને જોઈને કોઈ અજ્ઞાની પ્રશસ્ત રાગને જ ચારિત્ર માનીને અંગીકાર કરે તો શું થાય? ચારિત્ર પ્રાપ્ત ન થાય પણ રાગ જ રહી જાય.