________________
અધ્યાય : ૬, સૂત્ર-૧૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ તો પછી આ વ્રત નિયમ - અનુષ્ઠાન તપ શા માટે કરવા જોઈએ ?
૩૩
સમાધાન : આ પ્રશ્ન અજ્ઞાન કે અધુરી સમજથી ઊભો થયેલો છે. તમે જણાવેલા કારણોથી અસાતાવેદનીય કર્મના આશ્રવ થતા નથી પણ કર્મની ઘણી નિર્જરા થાય છે.
સ્વેચ્છાએ થતા વ્રત, નિયમ, તપ - ધ્યાન આદિથી અસાતા વેદનીય કર્મના આશ્રવ થાય નહીં. ખરા ત્યાગી કે તપસ્વી ગમે તેવા કઠોર વ્રત-નિયમ પાળવા દ્વારા દુઃખ ભોગવે કે દુઃખ વહોરી લે તો પણ તેમાં ક્રોધાદિ બુદ્ધિ નથી હોતી. તે પ્રવૃત્તિ સદ્ગુદ્ધિ અને સવૃત્તિથી પ્રેરાઈને તે તે જીવ કરે છે.
આત્મશુદ્ધિના ધ્યેયથી સ્વેચ્છાએ સ્વીકારાયેલ દુઃખ કે કર્મોના ઉદયથી સ્વયં આવી પડેલ દુઃખ, સમભાવે સહન કરાતું હોવાથી, પૂર્વે બંધાયેલ અશુભ કર્મોનો ક્ષય કરાવનારું થાય છે.
સૂક્ષ્મદૃષ્ટિથી વિચારવામાં આવે તો અધ્યાત્મ પ્રેમીઓને તપ વગેરેમાં થતું દુઃખ પણ સુખરૂપ લાગે છે કેમકે તેની દૃષ્ટિ જ ભાવિ સુખ તરફ હોય છે. જેમ પગમાં કાંટો વાગે તો સોય વડે કાંટો કાઢતા દુઃખ તો થવાનું જ છે, છતાં કાંટો નીકળતા થનારા સુખને લીધે સોયથી થતું દુ:ખ, દુઃખરૂપ લાગતું નથી.
એ જ રીતે આધ્યાત્મિક માર્ગમાં કષ્ટનું વિધાન ભાવી સુખને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યું છે તેમાં વર્તમાનકાળે સહેવાતું દુઃખ, દુઃખરૂપ જણાતું નથી કેમકે તેના વડે જ શાશ્વત સુખ પ્રાપ્ત થવાનું છે. શાશ્વત સુખની પ્રાપ્તિ વખતે સઘળા અસાતાવેદનીયનો ક્ષય થઈ જ જવાનો છે.
સાર ઃ જો સમભાવે સહન કરાતા દુ:ખથી વેદનીય કર્મનો બંધ થાય તો દુઃખનો ક્યારેય પણ અંત આવે જ નહીં. કારણ કે જ્યારે જ્યારે દુઃખ આવશે ત્યારે ત્યારે અસાતાવેદનીય કર્મનો બંધ થશે. પુનઃ આ બંધાયેલું કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે ફરી અસાતાવેદનીયનો બંધ થશે. એ રીતે પુનઃ પુનઃ આ કર્મોનું ઉદયમાં આવવું, પુનઃ પુનઃ દુઃખ થયું અને પુનઃ પુનઃ અશાતા વેદનીય કર્મનો આશ્રવ થવો આ ઘટના ચાલ્યા જ કરશે.