________________
૨૦
અધ્યાય : ૬, સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ એ જ રીતે જિનેશ્વરની ભક્તિ કરતી બે વ્યક્તિમાં ભક્તિનું તત્વ સમાન હોવા છતાં જેની ભક્તિ જેટલી ઉત્કટ કે તીવ્ર તેટલો તેને પુણ્યનો બંધ પણ ઉત્કટ (Peak Level) તેથી અત્યંત ઉલ્લાસથી જે ભક્તિ કરે તેને વિશેષ પુણ્ય બંધ થશે. એવી જ રીતે તીવ્રભાવથી જે આત્મા પાપ કરે તે આત્માને પાપકર્મ પણ તીવ્ર જ બંધાય છે.
મંદભાવ: તીવ્રભાવથી વિપરીત તે મંદભાવ. દાખલા તરીકે પોતાના હિત માટે જૂઠું બોલતી વ્યક્તિની સરખામણીમાં શેઠ (Boss)ની સૂચના પ્રમાણે જૂઠ બોલનારને ભાવોની મંદતા વિશેષ હોવાથી તેનો બંધ અલ્પ પડે છે. બીજા ઉદાહરણથી વિચારીએ.
બે વ્યક્તિ સંવત્સરી પ્રતિક્રમણ કરે છે. એક સ્વેચ્છાથી સમજણપૂર્વક, ઉલ્લાસપૂર્વક પ્રતિક્રમણ કરે છે. તે વ્યક્તિને પુણ્યબંધ અને કર્મની નિર્જરા તીવ્રપણે થાય છે. બીજી વ્યક્તિ એ રીતે પ્રતિક્રમણ કરે છે કે આજે સંવત્સરી છે અને બધા કરે છે તો મારે પણ કરવું જોઈએ પણ પ્રતિક્રમણની કે બોલાતા સૂત્રોની કંઈ સમજણ નથી. આમ તેનો ઉલ્લાસ ઓછો હોવાથી એટલે કે ભાવની મંદતા હોવાથી પુણ્યબંધ અને નિર્જરા અલ્પ પ્રમાણમાં થાય છે.
(૩) જ્ઞાતભાવઃ જાણીને અથવા ઈરાદાપૂર્વક થતી આશ્રવની પ્રવૃત્તિ. જ્યારે જીવ ઈરાદાપૂર્વક કોઈ અશુભ આશ્રવને સેવે છે ત્યારે તેને કર્મનો બંધ વિશેષ પડે છે. જેમકે એક વ્યક્તિ હરણને ઈરાદાપૂર્વક બાણથી વધે છે. તો તેને ઉત્કૃષ્ટ કર્મબંધ થશે.
(૪) અજ્ઞાતભાવઃ ઈરાદા વગર થતી આશ્રવની પ્રવૃત્તિ. જેમકે કોઈ વ્યક્તિ નિર્જીવ વસ્તુને નિશાન બનાવી બાણ છોડે છે પણ અજાણતા જ હરણને બાણ વાગે છે અને તેનું મૃત્યુ થાય છે. આમ ભૂલથી આ પાપ થઈ જવાથી અલ્પ કર્મબંધ થાય છે.
(૫) વીર્યવિશેષઃ વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમ આદિથી પ્રાપ્ત થતી શક્તિ. જેમ જેમ વીર્ય શક્તિ વધારે તેમ તેમ પરિણામ વધારે તીવ્ર હોય છે અને જેમ જેમ વીર્યશક્તિ ઓછી તેમ તેમ પરિણામ વધારે મંદ હોય છે.
તીવ્ર શક્તિવાળો અને મંદ શક્તિવાળો એ બંને એક જ પ્રકારની હિંસાની ક્રિયા કરતા હોવા છતાં વીર્યના ભેદને કારણે પરિણામમાં પણ ભેદ પડે છે. માટે જ છઠ્ઠા સંઘયણબળવાળો (અત્યંત નબળા સંઘયણવાળો) સાતમી નરકમાં જવું પડે તેવું પાપ કરી શકે જ નહિ. જ્યારે પ્રથમ સંઘયણવાળો તેવું પાપ કરી શકે છે.