________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૪
શબ્દાર્થ ઃ જીવ = આત્મા, અજીવ = જે જીવ નથી તે, આશ્રવ = કર્મનું આવવું, બંધ = જીવ સાથે કર્મનું ચોંટવું, સંવર = કર્મોને આત્મા તરફ આવતા અટકાવવા, નિર્જરા = કર્મોનું ખરી જવું, મોક્ષ કર્મનો સર્વથા ક્ષય.
૧૪
=
સૂત્રાર્થ : જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ (એમ સાત) તત્ત્વો છે.
ભાવાર્થ : (૧) જીવ : જે જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગને ધારણ કરે છે અથવા ચેતના લક્ષણ યુક્ત છે તે જીવ કહેવાય છે. જે પ્રાણોને ધારણ કરે તે જીવ. પ્રાણના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. પાંચ ઈન્દ્રિયો, ત્રણ યોગ (મનયોગ, વચન યોગ અને કાય યોગ) શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણોને દ્રવ્યપ્રાણ કહેવાય છે. આત્માના જ્ઞાન, દર્શન ચારિત્ર આદિ જે ગુણો છે તે ભાવ પ્રાણ છે.
(૨) અજીવ : જે જીવ નથી તે અજીવ છે. જ્ઞાન - દર્શન ઉપયોગ રહિત અથવા ચેતનાનો અભાવ તે અજીવ છે. જીવ કરતાં વિપરીત સ્વભાવવાળું કે વિપરીત લક્ષણવાળું જે તત્ત્વ તેને અજીવ કહેવાય છે. ચૈતન્ય લક્ષણ રહિત સુખ દુઃખના અનુભવ વિનાનું અને જડ લક્ષણવાળું જે તત્ત્વ, તે અજીવ.
અજીવ તત્ત્વના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ એવા પાંચ ભેદો છે. તેમાં પુદ્ગલ રૂપી છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત છે. બાકીના ધર્માસ્તિકાય વગેરે ચાર ભેદ અરૂપી છે. અરૂપી પદાર્થો ઈન્દ્રિયોથી જાણી શકાય નહિ. આપણી આંખોથી જે કાંઈ દેખાય છે તે પુદ્ગલરૂપ અજીવતત્ત્વ છે.
(૩) આશ્રવ : શુભ કે અશુભ કર્મોને આત્મામાં આવવાનું દ્વાર તે આશ્રવ છે. મન, વચન, કાયાની શુભ કે અશુભ પ્રવૃત્તિ એ દ્રવ્યઆશ્રવ છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા પરિણામ ભાવઆશ્રવ છે. જે રીતે સમુદ્ર સદા નદીઓ દ્વારા જળથી ભરાતો રહે છે અથવા ખુલ્લા રહેલા મકાનના બારી બારણામાંથી કચરો આવતો રહે છે તે રીતે મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને યોગના દ્વારોમાંથી આત્મા ત૨ફ કર્મનો કચરો આવતો રહે છે તે આશ્રવ.