________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૬
૧૩ પારકાના પ્રાણોને દુભાવનાર હોવાથી અથવા વિનાશ કરનાર હોવાથી, વિશ્વાસઘાત, દ્વેષ, વૈમનસ્ય લાવનાર હોવાથી, ઈર્ષા, ક્રોધ અને હિંસાદિ લાવનાર હોવાથી આશ્રવ જ કહેવાય છે. જેનાથી કમ બંધાય તે આશ્રવ . આ રીતે પાંચ અવ્રતો પણ કર્મ બંધાવનાર હોવાથી આશ્રવ જ કહેવાય છે.
ચાર કષાયો ઃ ક્રોધ - માન - માયા અને લોભ આ ચાર પ્રકારના કષાયો છે. આવેશ, ગુસ્સો તે ક્રોધ. અહંકાર મોટાઈ તે માન. કપટ, જુઠ, બનાવટ તે માયા અને આસક્તિ મમતા, તૃષ્ણા, મૂર્છા તે લોભ. આ ચારે કષાયોથી જીવ કર્મ બાંધે છે માટે ચારે કષાયોને આશ્રવ કહેવાય છે. આ ચારે કષાયો તરતમતાવાળા હોવાથી તેના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન એમ ચાર ચાર ભેદો ગણતા ૧૬ કષાયો થાય છે. તથા આ ચાર કષાયોને લાવનારા, પ્રેરણા કરનારા, સહાય કરનારા અને કષાયોને ઉદ્દીપ્ત કરનારા હાસ્યાદિ નવ નોકષાયો પણ કર્મબંધના હેતુ જ કહેવાય છે.
પાંચ ઈન્દ્રિયો સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય,ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય.
ઈષ્ટ કે અનિષ્ટ વિષયો મળતાં ઈદ્રિયોના ઉપયોગથી જીવ રાગ કે દ્વેષવાળો થાય છે. રાગ દ્વેષથી જીવ કર્મ બાંધે છે. માટે પાંચ ઈન્દ્રિયોને જ પાંચ પ્રકારના આશ્રવ કહેવાય છે.
૨૫ ક્રિયાઓ : (૧) સમ્યકત્વક્રિયાઃ
સમ્યગ્દર્શન પામેલા જીવની દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે શ્રદ્ધા તથા નમસ્કાર, પૂજા, ભક્તિ, દાન, વિનય, વૈયાવચ્ચ વગેરે શુભક્રિયાથી સાતાવેદનીય, દેવગતિ વગેરે પુણ્યકર્મનો આશ્રવ થાય છે. આ ક્રિયા જો કે સમ્યક્તની પુષ્ટિ કરે છે. તો પણ પુણ્યકર્મનો આશ્રવ કરનાર છે.
(૨) મિથ્યાત્વક્રિયાઃ
મિથ્યાષ્ટિ જીવની સામાન્ય દેવ-ગુરુ સંબંધી અથવા કુદેવ-કુગુરુ સંબંધી નમસ્કાર, પૂજા, ભક્તિ, દાન, વિનય, વૈયાવચ્ચ વગેરે ક્રિયાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે. મિથ્યાત્વમોહનીયનો બંધ થાય છે.