________________
અધ્યાય : ૬, સૂત્ર-૧
તત્ત્વાથધિગમસૂત્ર ભાગ - ૨
(૩) મિશ્ર વચનયોગ : થોડું સત્ય અને થોડું અસત્ય વચન બોલવું તે. દા.ત., ઘેટા-બકરા સાથે જઈ રહ્યા હોય તો પણ “આ ઘેટાઓ જાય છે” તેમ કહેવું. તેમાં ઘેટા જાય છે એ સત્ય છે પણ બકરા પણ જતાં હોવા છતાં ન કહેવું તે અસત્ય છે માટે તેને મિશ્ર વચનયોગ કહ્યો છે.
(૪) અસત્યામૃષા: સત્ય પણ નહિ અને અસત્ય પણ નહિ તેવું વચન. દા.ત., ગામ જા. અથવા આવો, પધારો, બેસો. આ વાક્યોમાં માત્ર લોકવ્યવહારની જ વાત હોય છે પરંતુ ભગવાને કહેલા તત્ત્વની વાત હોય જ નહિ. તેથી ભગવંતે કહેલા તત્ત્વ પ્રમાણે છે એમ પણ ન કહેવાય અને તે પ્રમાણે નથી એમ પણ ન કહેવાય.
મનોયોગ ઃ વચનયોગના જે ચાર પ્રકાર છે તે જ ચાર પ્રકાર મનોયોગના છે. અર્થ પણ તે જ છે. માત્ર બોલવાના સ્થાને વિચાર કરવો એમ સમજવું. આ રીતે ૭ - કાયયોગ, ૪ - વચનયોગ અને ૪ - મનોયોગ મળીને કુલ ૧૫ યોગ કહ્યા છે.
સાર : આત્મા એક અખંડ દ્રવ્ય છે અને મન, વચન, કાયા એ ત્રણે યોગ આત્માના પરિણમન રૂપ છે. પ્રથમ અધ્યાયના પ્રથમ સૂત્રમાં “સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ” કહ્યું એટલે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર એ ત્રણેનો સમન્વય તે મોક્ષમાર્ગ છે. તેમ અહીં કાયાદિ ત્રણેનો વપરાશ તે યોગ છે તેમ સમજવું. આ સૂત્રમાં રહેલ કર્મ શબ્દ કાયાદિ ત્રણે સાથે જોડવાનો છે. તેથી કાયકર્મ, વચનકર્મ અને મનઃકર્મ એ ત્રણેને અલગ અલગ વિચારવું. જેથી કાયયોગ, વચનયોગ અને મનોયોગ ત્રણે ભિન્ન ભિન્ન યોગો છે તેમ સમજવું પણ ત્રણેનો સમન્વય થવાથી કોઈ એક યોગ બને છે તેમ સમજવું નહીં. આ જે પંદર પ્રકારના યોગ કહ્યા તે શુભ અને અશુભ બે પ્રકારે છે. વ્યવહારિક જગતમાં જેને યોગ કહેવામાં આવે છે તે યોગ કરતાં જૈન દર્શનમાં યોગની વ્યાખ્યા તદ્દન અલગ જ છે. આ સૂત્રમાં યોગનો અર્થ “મનવચન-કાયાની શુભાશુભ પ્રવૃત્તિ” એવો થાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં આ ત્રણે યોગ બદલાયા કરે છે કારણકે કોઈપણ યોગ જઘન્યથી એક સમયનો અને વધુમાં વધુ અંતર્મુહૂર્તનો કહ્યો છે. પરિણામે કોઈ જીવ અંતર્મુહૂર્તથી વધારે એક યોગમાં સ્થિર રહી શકે તે વાત જ અસત્ય છે. આથી સામાયિક પણ બે ઘડીનું જ કહ્યું છે. આ સામાયિકના માધ્યમથી યોગનિરોધ સુધી પહોંચવું તે જ આત્માનું લક્ષ્ય હોવું જોઈએ. આ આત્મા યોગવાળો તો છે જ પરંતુ આપણો આત્મા યોગરહિત કેમ બને? તેનું લક્ષ્ય રાખવું.