________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૫, સૂત્ર-૪૪
૩૪૩ ભાવાર્થ: મનયોગ, વચનયોગ અને કાયયોગ એ પુદ્ગલ દ્રવ્ય હોવાથી આત્માથી પર દ્રવ્ય છે. તેના નિમિત્તથી આત્મામાં પ્રદેશોનું જે હલનચલન થાય છે તે યોગ છે. આ યોગ પ્રતિક્ષણે બદલાય છે તેથી આદિમાન છે.
હવે આત્મા જ્ઞાન અને દર્શન દ્વારા જે ઉપયોગ મૂકે છે તે પર્યાય કહેવાય છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમને અનુસાર પ્રતિસમયે આ જીવ પોતાનામાં રહેલા જ્ઞાન અને દર્શન નામની ગુણાત્મક શક્તિનો જે વપરાશ કરે છે તે પર્યાય કહેવાય છે.
યોગાત્મક પર્યાયો અન્ય દ્રવ્યના (મન-વચન-કાયારૂપ) સંયોગવાળા છે અને ઉપયોગાત્મક જે પર્યાયો છે તે જીવ દ્રવ્ય આશ્રિત છે પર દ્રવ્ય આશ્રિત નથી. જીવમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેય ગુણો હોવાથી ઉપયોગ કહેવાય અને મન, વચન, કાયા દ્વારા થતી ચેષ્ટા પરદ્રવ્ય આશ્રિત હોવાથી યોગ કહેવાય.
મન-વચન-કાયાની સહાયથી જીવમાં જે પ્રવૃત્તિ થાય તે યોગ, જ્ઞાન, દર્શન, ચારિત્રની શક્તિમાં જીવનું લયલીન અને વધ-ઘટ થવું તે ઉપયોગ કહેવાય. ઉપયોગ સ્વદ્રવ્ય આશ્રિત છે અને યોગ પરદ્રવ્ય આશ્રિત છે.
કેવળી ભગવંત ૧૪ મા ગુણસ્થાને હોય અથવા મોક્ષે જાય ત્યારે યોગ વિનાના બને છે પણ ઉપયોગ વિનાના બનતા નથી. કેવળીભગવાનમાં કેવળજ્ઞાનની શક્તિનો વપરાશ તે ઉપયોગ કહેવાય છે.