________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૫, સૂત્ર-૪૧
૩૩૯ ભાવાર્થઃ ગુણો હંમેશા દ્રવ્યમાં જ રહે છે. સ્વયં એકલા ગુણો કદાપિ હોતા નથી. જેમ કે આત્મ દ્રવ્યમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણો છે. પુગળ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે ગુણો છે. દ્રવ્યમાં જેમ ગુણો છે તેમ ગુણમાં ગુણો વર્તતા નથી. દાખલા તરીકે મરચામાં તીખાશ છે. એટલે મરચું નામના દ્રવ્યમાં તિખાશ ગુણ છે. પરંતુ તિખાશમાં કોઈ ગુણ નથી. તીખાશ ગુણમાં જો કોઈ બીજો ગુણ હોય તો તીખાશ એ દ્રવ્ય કહેવાય.
દ્રવ્યની અંદર સદા સાથે રહેનારા (સહભાવિ) ધર્મોને ગુણ કહેવામાં આવે છે. દ્રવ્યમાં ઉત્પન્ન થનારા અને નાશ પામનારા (ક્રમભાવી) ધર્મોને પર્યાય કહેવામાં આવે છે.
સૂત્ર (પ-૪૧) પ્રયોજન પરિણામનું લક્ષણ અર્થાત્ સ્વરૂપને જણાવે છે.
तद्भावः परिणामः ५-४१ તદ્ભાવઃ પરિણામઃ ૫-૪૧
તદ્ ભાવઃ પરિણામ: ૫-૪૧ શબ્દાર્થ : તદ્ = તે (પૂર્વે કહેલા દ્રવ્યો અને ગુણો), ભાવઃ = સ્વ-ભાવ, સ્વતત્વમ્, પરિણામ = સ્વરૂપમાં સ્થિત રહી ઉત્પન્ન તથા નષ્ટ થવું (પરિણમન).
સૂત્રાર્થ :- તેનો (દ્રવ્યોનો અને ગુણોનો) ભાવ એ પરિણામ છે.
ભાવાર્થ - બીજા શબ્દોમાં કહીએ તો દ્રવ્યો અને ગુણોનો જે વિકાર અથવા તેમાં થતી હાનિ-વૃદ્ધિ અર્થાત્ (પરિવર્તન)ને પર્યાય (પરિણામ) કહેવાય છે.
બૌદ્ધદર્શન દ્રવ્યને એકાન્ત ક્ષણિક કહે છે. તેના મત પ્રમાણે ઉત્પન્ન થઈને વસ્તુનો સર્વથા નાશ થવો એ જ પરિણામ છે. ન્યાય, વૈશેષિક અને સાંખ્ય દર્શન દ્રવ્યને એકાંતે નિત્ય કહે છે. જ્યારે જૈન દર્શન દ્રવ્યને નિત્યાનિત્ય કહે છે. જેમ કે સોનું દ્રવ્ય, દ્રવ્ય તરીકે (સોના તરીકે) કાયમ રહે છે.
સૂત્ર ૫-૪૦ માં કહ્યું કે દ્રવ્ય-આશ્રયાઃ નિર્ગુણાઃ ગુણાઃ દ્રવ્યના આશ્રયે જ રહે અને સ્વયં પોતે નિર્ગુણ હોય તે ગુણ કહેવાય છે.
શંકા : દ્રવ્યના આશ્રયે રહેલો ગુણ સ્વયં નિર્ગુણ કેવી રીતે હોઈ શકે ?