________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૫, સૂત્ર-૩૦
૩૨૯ કંઠીની ઉત્પત્તિ થાય છે પરંતુ સોનાની ધ્રુવતા સદા છે. જેમકે જીવ મનુષ્યપણે જન્મે તે ઉત્પાદ, દેવપણે મૃત્યુ પામે તે વ્યય અને જીવપણે સદા રહે તે ધ્રુવ કહેવાય.
સૂત્ર (૫-૩૦) પ્રયોજન નિત્યનું લક્ષણ જણાવે છે.
तद्भावाव्ययं नित्यम् ५-३० તદ્ભાવાવ્યયં નિત્યમ્ પ-૩૦
તભાવ-અવ્યય નિત્યમ્ ૫-૩૦
શબ્દાર્થ તદ્ = તે, ભાવ = સ્વરૂપ, પોતાની જાતિ, અવ્યય = નાશ ન પામવું, નિત્યમ્ = નિત્ય.
સૂત્રાર્થ ઃ જે વસ્તુ પોતાના ભાવથી અવ્યય રહે એટલે કે પોતાના મૂળ સ્વરૂપને ન છોડે તે નિત્ય.
ભાવાર્થ : દરેક વસ્તુ પરિવર્તન પામે છે એટલે અનિત્ય છે અને પરિવર્તન પામવા છતાં પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કરતી નથી માટે નિત્ય છે. દરેક વસ્તુમાં પ્રતિક્ષણે થોડું ઘણું પર્યાયની અપેક્ષાએ પરિવર્તન થયા કરે છે આ પરિવર્તન ઘણું જ સૂક્ષ્મ હોવાથી આપણી નજરમાં આવતું નથી. આ પરિવર્તન સર્વજ્ઞ ભગવંતો જ જોઈ શકે. દા.ત. કાપડનો તાકો કાપીને કેટલાક શર્ટ બનાવ્યા. અહીં તાકાનો નાશ થયો અને શર્ટની ઉત્પત્તિ થઈ છતાં મૂળ દ્રવ્યમાં (કાપડમાં) કોઈ ફેરફાર થયો નથી. કાપડ કાપડરૂપે મટીને કાગળ રૂપે કે અન્ય કોઈ વસ્તુરૂપે બન્યું નથી. કાપડ તાકા રૂપે નાશ પામીને શર્ટરૂપે ઉત્પન્ન થવા છતાં કાપડરૂપે નિત્ય (કાયમ) રહે છે. એક જ વસ્તુમાં નિયત્વ અને અનિત્યત્વ વગેરે પરસ્પર વિરૂદ્ધ ધર્મોની સિદ્ધિ સ્યાદ્વાદ દષ્ટિથી થાય છે. પૂજય ઉમાસ્વાતિજી હવે પછીના સૂત્રમાં સ્યાદ્વાદને સમજાવે છે.