________________
૩૧૬ અધ્યાય : ૫, સૂત્ર-૨૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાવાર્થ: જીવનું મૂળભૂત લક્ષણ તો બીજા અધ્યાયમાં ઉપયોગો લક્ષણમ્ (સૂત્ર ૨:૮) સૂત્ર વડે જણાવ્યું છે. આ સૂત્રમાં જીવોના પરસ્પર ઉપકારનું કથન છે. એ રીતે ધર્મ, અધર્મ, આકાશ અને પુગલ પછી અહીં જીવના ઉપકાર (કાય) ને જણાવે છે. પરસ્પર એટલે અન્યોન્ય, એક જીવ વડે બીજા જીવનો, બીજા વડે ત્રીજાનો એ રીતે ઉપકારની જે પરંપરા સર્જાય તેને જણાવવા માટે અહીં પરસ્પર શબ્દનો ઉપયોગ કર્યો છે..
જીવો પરસ્પર ઉપકારક કઈ રીતે બને છે? • માલિક પૈસા આપી સેવક ઉપર ઉપકાર કરે છે અને સેવક વફાદારીપૂર્વક સારું કામ
કરી માલિક ઉપર ઉપકાર કરે છે. • ગુરુ સત્કર્મનો ઉપદેશ આપી શિષ્યો ઉપર ઉપકાર કરે છે અને શિષ્યો અનુકૂળ
પ્રવૃત્તિ કરવા દ્વારા ગુરુ પર ઉપકાર કરે છે. • બે શત્રુઓ એકબીજા પ્રત્યે વેર રાખીને કે લડીઝગડીને એકબીજા ઉપર ઉપકાર કરે છે.
શંકા : શત્રુતા ભાવથી તો એકબીજાને અપકાર થાય છે. અહીં તેને જીવોનો ઉપકાર કેમ કહ્યો?
સમાધાનઃ અહીં ઉપકારનો અર્થ એકબીજાનું હિત કરવું કે ભલું કરવું એવો થતો નથી, પરંતુ પરસ્પર હિત-અહિતમાં નિમિત્ત બનીને કાર્ય કરવું તેમ સમજવું. જીવો પરસ્પર સુખ દુઃખમાં નિમિત્ત બનીને ઉપકાર કરે કે અપકાર કરે પણ સહાય તો કરે
શંકા : જીવોનું “ઉપયોગો લક્ષણમ્” બીજા અધ્યાયમાં કહેવાયું જ છે. પછી ફરીથી જીવનું લક્ષણ કહેવાનું પ્રયોજન શું?
સમાધાનઃ ઉપયોગ એ જીવનું અંતરંગ લક્ષણ છે જે સમગ્ર જીવરાશિને લાગુ પડે છે. જ્યારે અહીં પરસ્પરોપગ્રહો કહેવાયું તે બહિરંગ લક્ષણ છે જે સંસારી જીવોને માટે છે. સિદ્ધના જીવો પ્રત્યક્ષરૂપે ક્યાંય નિમિત્ત બનતા નથી.
સાર: આ સૂત્રમાં ઉપકારનો અર્થ ભલું કરવું એવો નથી. “નિમિત્ત રૂપે સહાયક થઈને કાર્યને કરવું” એવો અર્થ કરેલો છે. અન્યથા સ્વભાવિક એવો પ્રશ્ન થાય કે “શું ખરેખર એક જીવ બીજા જીવ દ્રવ્યનું ભલું કે બુરૂ કરી શકે ખરૂં?”