________________
૩૧૪ અધ્યાય : ૫, સૂત્ર-૨૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર આદિ દ્વારા ઉત્પન્ન થતો માનસિક સંકલેશ. દુ:ખ એ અસાતા વેદનીય કર્મના ઉદયરૂપ આંતરિક કારણથી અને અનિષ્ટ ભોજન આદિની પ્રાપ્તિ રૂપ બાહ્ય કારણથી થાય છે. આ બંને કારણો પૌદ્ગલિક હોવાથી દુ:ખ એ પુદ્ગલનો ઉપકાર છે.
(૩) જીવનઃ આયુષ્ય કર્મના ઉદયથી દેહધારી જીવના પ્રાણનું ટકી રહેવું તે જીવન છે. આ જીવન આયુષ્ય કર્મ, ભોજન, શ્વાસોચ્છવાસ આદિ અત્યંતર અને બાહ્ય કારણોથી ચાલે છે. આ કારણો પૌગલિક હોવાથી જીવન એ પુદ્ગલનો ઉપકાર છે.
(૪) મરણ : આયુષ્યકર્મ પૂર્ણ થવાથી દેહધારી જીવના પ્રાણનો ઉચ્છેદ થવો એ જ મરણ છે. વિષ, શસ્ત્ર, અગ્નિ વડે આયુષ્યનું અપવર્તન તે મરણ. આયુષ્ય કર્મ પૂરૂ થાય અને શ્વાસોચ્છવાસની ગતિ રોકાઈ જાય તે મરણ. આ કાર્ય બાહ્ય અને અત્યંતર પુદ્ગલની સહાયથી થાય છે. માટે મરણ પુદ્ગલનો ઉપકાર છે.
શંકા ઃ ૧૯ મા સૂત્રમાં શરીર આદિ પુદ્ગલનો ઉપકાર છે અને ૨૦ માં સુત્રમાં સુખ આદિ પણ પુદ્ગલનો જ ઉપકાર છે. તો પછી બંને માટે એક સૂત્ર ન રચતાં અલગ અલગ બે સૂત્રોની રચના કેમ કરી ?
સમાધાનઃ તમારો પ્રશ્ન વ્યાજબી છે. પણ જરાક વિચારો તો સમજાશે. શરીર આદિમાં પુદ્ગલનો ઉપકાર છે એનો અર્થ એ કે પુદ્ગલ કારણ છે. પરંતુ કારણ બે પ્રકારના છે. (૧) ઉપાદાન કારણ અને (૨) નિમિત્ત કારણ. જે કારણ પોતે જ કાર્યરૂપે પરિણામ પામે તે ઉપાદાન કારણ. નિમિત્ત કારણ તે કહેવાય કે જે કારણ સ્વતંત્ર રૂપે અલગ રહી કાર્યમાં સહાય કરે.
દાખલા તરીકે ઘડો બનાવવામાં માટી અને દંડ બંને કારણ છે પણ માટી પોતે જ ઘડા રૂપે બની જાય છે તેથી તે ઉપાદાન કારણ છે અને દંડ સ્વતંત્રરૂપે રહીને ઘડો બહનાવવામાં સહાય કરે છે માટે તે નિમિત્ત કારણ છે. ૧૯ મા સૂત્રમાં શરીર આદિ ચારે કાર્યોમાં પુગલો પોતે જ શરીર આદિ રૂપે બની જાય છે અર્થાત્ કારણ જ કાર્યરૂપ બની જાય છે માટે તે ઉપાદાન કારણ છે. જ્યારે ૨૦ મા સૂત્રમાં સુખ આદિ કાર્યોમાં પુગલો સુખ આદિ રૂપે બનતાં નથી, પણ સુખ આદિ ઉત્પન્ન થવામાં સહાય કરે છે. માટે નિમિત્ત કારણ છે.
ઘડાનું ઉદાહરણ બીજી રીતે પણ વિચારીએ.