________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૫, સૂત્ર-૧૮
સૂત્ર (૫-૨૮) પ્રયોજન : આકાશના લક્ષણને જણાવે છે.
आकाशस्यावगाहः ५-१८
આકાશસ્યાવગાહઃ
૫-૧૮
આકાશસ્ય અવગાહઃ ૫-૧૮
શબ્દાર્થ : આકાશસ્ય = આકાશનો, અવગાહઃ = જગ્યા આપવી.
સૂત્રાર્થ : અવગાહ આપવો (જગ્યા આપવી) એ આકાશાસ્તિકાયનો ઉપકાર છે.
ભાવાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ ચારે દ્રવ્યોને આકાશ અવગાહ (જગા) આપે છે. જીવ કે પુદ્ગલનું અવગાહના ક્ષેત્ર બદલાયા કરે છે. ક્યારેક તે એક સ્થાને હોય તો ક્યારેક બીજા સ્થાને પણ હોય. આમ જે સ્થાનેથી તે છૂટો પડે છે તેને વિભાગ કહેવાય છે અને જે સ્થાને તે પ્રવેશ કરે છે તેને સંયોગ કહેવાય છે. આ બંને સ્થિતિમાં અવગાહ આપવાનું કાર્ય આકાશ જ કરે છે. અવગાહ આપવામાં નિમિત્ત થવું તે આકાશ દ્રવ્યનું કાર્ય છે. તેનો અર્થ એ કે આકાશ દ્રવ્ય આધાર છે જ, ત્યાં કોઈ આધેય દ્રવ્ય રહે કે ન રહે.
૩૦૯
જેમ એક ઘર બનાવવામાં આવે તેને રહેઠાણ કહેવામાં આવે છે. તેમાં કોઈ રહેતું હોય કે ન રહેતું હોય તો પણ તેને રહેઠાણ તો કહેવાય જ છે. તે રીતે આકાશ દ્રવ્ય એ અવગાહ આપવાના લક્ષણને કારણે આધાર તો કહેવાય જ છે. ત્યાં આધેય દ્રવ્ય હોય કે ન હોય તે વાત મહત્વની નથી. આધેય દ્રવ્યને જ્યારે આવવું હોય ત્યારે આકાશદ્રવ્ય જગ્યા આપવા તૈયાર જ છે.
શંકા ઃ જીવ અને પુદ્ગલ તો સક્રિય છે તેથી તેને આકાશ અવગાહ આપે છે તે સમજાય છે પણ ધર્મ અને અધર્મ તો નિષ્ક્રિય તેને અવકાશ દેવાની વાત કઈ રીતે
સમજવી ?
સમાધાન ઃ જો કે ધર્મ, અધર્મ દ્રવ્યમાં ગમનાગમન ક્રિયા થતી નથી કેમકે આ દ્રવ્યો નિષ્ક્રિય છે. છતાં પણ તે દ્રવ્યો જે સ્થાને છે તે સ્થાને રહેલાં છે આમ તો કહેવું જ પડે એટલે અવગાહન કરવાની ક્રિયા તેનામાં છે. માત્ર ગમનાગમન ક્રિયા નથી એટલે ઉપચારથી તેને અવગાહી કહ્યા છે અને આકાશ દ્રવ્યનું કાર્ય અવગાહ આપવો તે કહ્યું છે. વળી લોકાકાશમાં ધર્મ અધર્મ દ્રવ્ય સર્વત્ર વ્યાપ્ત છે માટે વ્યવહાર નયથી ધર્મ અધર્મ દ્રવ્યનો આકાશ દ્રવ્યમાં રહેઠાણ કરવા રૂપે પ્રવેશ થાય છે તેમ માનવું ઉચિત છે.