________________
અધ્યાય : ૧, સૂત્ર-૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
૬
કરવું), શ્રદ્ધાન્ = જેની શ્રદ્ધા કરાય તે.
સૂત્રાર્થ : તત્ત્વરૂપ (જીવ-અજીવ વગેરે) પદાર્થોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન
ભાવાર્થ : તત્ત્વો કયા કયા છે તે ચોથા સૂત્રમાં આચાર્યશ્રી જણાવશે. કુલ સાત તત્ત્વો છે. જીવ-અજીવ-આશ્રવ-બંધ-સંવર-નિર્જરા અને મોક્ષ.
તત્ત્વની બીજી વ્યાખ્યા મુજબ નિળ પન્નત્ત તત્ત અર્થાત્ જિનેશ્વર ભગવંતે જે કહ્યું તે તત્ત્વ. તત્ત્વ સાથે જોડાયેલો બીજો શબ્દ ‘‘અર્થ” છે. અર્થ એટલે ગ્રહણ કરવું. તત્ત્વાર્થ એટલે જે પદાર્થ જે રૂપે છે તે પદાર્થને તે રૂપે જ ગ્રહણ કરવો. આવા પ્રકારના તત્ત્વભૂત એવા જીવ-અજીવ વગેરે જે જે પદાર્થો છે તે પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ જાણીને તેના ઉપર રૂચિ કરવી - પ્રીતિ કરવી તે શ્રદ્ધા કહેવાય છે. જાણકારી ન હોય તો પણ ગુરુની નિશ્રાએ રૂચિ - પ્રીતિ - શ્રદ્ધા થવી તે સમ્યગ્દર્શન કહેવાય છે. સામાન્ય અર્થમાં તો તત્ત્વોની શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન કહ્યું. વિશેષથી કહી શકાય કે દર્શન મોહનીયના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ વડે ઉત્પન્ન થયેલી તત્ત્વની રૂચિ કે સત્યની પ્રતીતિ તે સમ્યગ્દર્શન.
શંકા : તત્ત્વાર્થ શ્રદ્ધા રૂપ સમ્યગ્દર્શન આત્માનો ગુણ છે. જેને કેવળી ભગવંત સિવાય કોઈ જોઈ શકતા નથી. કોઈક જીવમાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થયો છે કે નહિ તે શી રીતે જાણી શકાય ?
સમાધાનઃ તમારો પ્રશ્ન વ્યાજબી છે. સમ્યગ્દર્શનના અનુમાન માટે શાસ્ત્રકાર મહર્ષિ પાંચ લક્ષણો જણાવે છે. શમ,સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. આ પાંચ લક્ષણોચિહ્નો જોઈને સમ્યગ્દર્શન હોવાનું અનુમાન થઈ શકે છે.
(૧) શમ : ક્રોધ-માન-માયા-લોભરૂપ કષાયો મંદ થવા. બીજા અર્થમાં કષાયવાળી વૃત્તિ અને વિષયો પ્રત્યેની તૃષ્ણાનું શમી જવું.
(૨) સંવેગ : મોક્ષની તીવ્ર અભિલાષા.
(૩) નિર્વેદ : સંસાર-શરીર-ભોગ વગેરે વિષયમાં કંટાળો-ઉદ્વેગ ઉત્પન્ન થવો. નાખુશીભાવ પેદા થવો.
(૪) અનુકંપા : દીન, દુઃખી, દારિદ્રને પામેલા પ્રાણીઓના દુઃખ નિવારણ કરવાની નિરંતર ઇચ્છા થવી.