________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૫, સૂત્ર-૧૦
૨૯૯ શંકાઃ લોકાકાશના પ્રદેશો તો અસંખ્યાતા છે અને પુદ્ગલાસ્તિકાય તો અનંતાનંત પ્રદેશવાળો છે તેથી અનંતાનંત પ્રદેશવાળો પુદ્ગલ સ્કંધ, લોકાકાશમાં કઈ રીતે સમાય?
સમાધાન : પુદ્ગલોમાં પ્રદેશોની સૂક્ષ્મ પરિણમન શક્તિ હોય છે. આકાશમાં અવગાહનની (જગા આપવાની) શક્તિ પણ રહેલી છે. તેથી અનંત કે અનંતાનંત પ્રદેશોવાળા પુદ્ગલ સ્કન્ધોનો આધાર પણ આકાશ થઈ શકે છે.
જેમકે એક નાનકડી પુષ્પકલીમાં સૂક્ષ્મ રૂપે કેટલા મોટા પ્રમાણમાં ગન્ધવાળા અવયવો – પ્રદેશો રહેલા હોય છે, જેવું ફૂલ ખીલે છે કે તરત જ તે સૂક્ષ્મ રૂપમાં રહેલા ગંધવાળા અવયવો સમસ્ત દિશાઓમાં ફેલાઈ જાય છે.
એવી જ રીતે એક લાકડીના દંડનાં સૂક્ષ્મરૂપથી અલ્પષેત્રમાં રહેલા પુદ્ગલ સ્કન્ધ પણ જયારે તે જ દંડ આગમાં સળગવા લાગે છે ત્યારે ધુમાડા રૂપે આકાશના ઘણા ભાગમાં ફેલાઈ જાય છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાશ અને એક જીવના પ્રદેશો મૂળ દ્રવ્યમાંથી કોઇ કાળે છૂટા પડતા નથી. કારણકે તેઓ અરૂપી છે. અરૂપી દ્રવ્યોમાં સંશ્લેષનો (ભેગા થવાનો) કે વિશ્લેષનો (છૂટા પડવાનો) અભાવ હોય છે. પુદ્ગલ દ્રવ્યના પ્રદેશો મૂળ દ્રવ્યમાંથી છૂટા પણ પડે છે અને ભેગા પણ થાય છે. તેમ જ એક સ્કંધના પ્રદેશો એ સ્કંધમાંથી છૂટા પડીને અન્ય સ્કંધમાં પણ જોડાય છે. આથી પુદ્ગલ દ્રવ્યના સ્કંધોના પ્રદેશોની સંખ્યા અનિયત જ રહે છે. એક જ સ્કંધમાં કોઈ વાર સંખ્યાત, તો કોઈવાર અસંખ્યાત, તો કોઈવાર અનંત પ્રદેશો પણ હોય છે. - સાર : મૂર્તિ અથવા રૂપી પદાર્થોમાં જ સંયોજન કે વિભાજન થાય છે કદી કોઈ એક જીવ દ્રવ્યના ટુકડા કે તેમાં નવા પ્રદેશોનું ઉમેરાવું શક્ય બનતું નથી. અમૂર્ત દ્રવ્યોમાં સંશ્લેષ કે વિશ્લેષ થતાં જ નથી. જો આપણે ભવચક્રના રૂપી પર્યાયોમાં વિખેરાયા કરવું ન હોય તો મૂર્ત એવા પુદ્ગલ નહીં પણ અમૂર્ત એવા ધર્માદિ દ્રવ્યો જ આદર્શરૂપ ગણીને જીવન વિકાસ સાધવો જોઈએ. કેમકે દ્રવ્યરૂપે જીવ દ્રવ્ય ભલે અખંડ હોય પણ પર્યાય રૂપે તો તે વિવિધ પર્યાયોને પ્રાપ્ત કરે જ છે. જ્યારે જીવ, રૂપી તત્ત્વોનો સંયોગ છોડશે ત્યારે જ તે પોતાના વાસ્તવિક અરૂપીપણાને અર્થાત્ સિદ્ધાવસ્થાને પામી શકશે.