________________
૨૯૮ અધ્યાય : ૫, સૂત્ર-૧૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્રાર્થઃ પુદ્ગલ દ્રવ્યના સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો છે.
ભાવાર્થ જીવની જેમ પુદ્ગલ દ્રવ્ય પણ અનંત છે. પુદ્ગલાસ્તિકાય એક એવું દ્રવ્ય છે કે જેમાં પ્રદેશો જોડાય પણ છે અને વિખેરાય પણ છે. કોઈ પુદ્ગલ દ્રવ્યના સંખ્યાત પ્રદેશો હોય છે. કોઈ પુદ્ગલ દ્રવ્યના અસંખ્યાત પ્રદેશો હોય છે અને કોઈ પુદ્ગલ દ્રવ્યના અનંત પ્રદેશો પણ હોય છે. તથા કોઈ પુદ્ગલ દ્રવ્યમાં બે પ્રદેશો, કોઈમાં ત્રણ પ્રદેશો, કોઈમાં સો પ્રદેશો કે કોઈમાં કરોડ પ્રદેશો કે તેથી પણ વધુ હોય છે.
આ પ્રમાણે અસંખ્યાત પ્રદેશવાળા અને અનંત પ્રદેશવાળા પુદ્ગલોમાં પણ અનેક તરતમતા હોય છે. મૂલ સૂત્રમાં સંખ્યાત-અસંખ્યાત લખ્યું છે અને ચ શબ્દથી અનંતા ઉપરના સૂત્રમાંથી લેવાનું છે, ઉપરથી લાવીએ તેને અનુવૃત્તિ કહેવાય.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશના પ્રદેશો સંકોચ-વિકાસની ક્રિયાથી રહિત છે, જ્યારે જીવના અને પુગલના પ્રદેશો સંકોચ-વિકાસ પામે છે.
શંકા : જીવના આત્મપ્રદેશોનો સંકોચ-વિસ્તાર કેવી રીતે થાય ?
સમાધાનઃ નાના કે મોટા કોઈપણ જીવના આત્મપ્રદેશો એકસરખા અસંખ્યાતની સંખ્યામાં જ હોય છે. જીવ જયારે હાથીના શરીરમાંથી નીકળી કીડીના શરીરમાં આવે ત્યારે આત્મપ્રદેશોનો સંકોચ થવાથી સર્વ પ્રદેશો કીડીના શરીરમાં સમાઈ જાય છે. એવું નથી બનતું કે કીડીમાં થોડાક પ્રદેશો રહે અને બાકીના બહાર લટકે. બધા જ પ્રદેશો કીડીના શરીરમાં સમાઈ જાય છે. કીડીના અને હાથીના પ્રદેશોની સંખ્યા સરખી જ રહી છે. આથી ઉલ્ટ જ્યારે જીવ કીડીના શરીરમાંથી હાથીના શરીરમાં આવે ત્યારે આત્મપ્રદેશોનો વિકાસ થાય છે. એ જ પ્રમાણે બાળક જન્મે ત્યારથી માંડીને જેમ જેમ મોટું થતું જાય, ૫ કે ૬ ફૂટનો માણસ બને. તેમ આત્મપ્રદેશોનો વિકાસ થતો જાય છે.
શંકા - પુગલોના પ્રદેશોનો સંકોચ-વિકાસ કેવી રીતે થાય ?
સમાધાન :- પુદ્ગલોનો પણ સંકોચ અને વિસ્તાર થાય છે તે આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. જેમ એક દીવો હોય તેના પ્રકાશના પ્રદેશો સમગ્ર રૂમમાં પથરાયેલા હોય અને તે જ દીવાને નાની પેટીમાં મૂકવામાં આવે તો તે પ્રકાશના પ્રદેશો નાની પેટીમાં જ રહેશે.