________________
૨૯૬ અધ્યાય : ૫, સૂત્ર-૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ગોત્ર કે નામ કર્મને લીધે તેના પર્યાયોમાં ભિન્નતા હોઈ શકે છે. તેને લીધે જીવમાં ઊંચાનીચા કે નાના મોટાનો વ્યવહાર પણ સમાજમાં થાય છે. પરંતુ મૂળભૂત જીવ દ્રવ્ય પ્રત્યેકનું સરખું જ છે. પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશોમાં કોઈ નાનું કે કોઈ મોટું અથવા કોઈના પ્રદેશ વધુ કે કોઈના પ્રદેશ ઓછા એવો કોઈ ભેદ નથી. સૂત્ર (પ-૮) પ્રયોજન આકાશ પ્રદેશોનું પરિમાણ જણાવે છે.
आकाशस्यानन्ताः ५-९
આકાશસ્યાનન્તાઃ ૫-૯
આકાશસ્ય અનન્તાઃ પ-૯ શબ્દાર્થ: આકાશસ્ય = આકાશદ્રવ્યના, અનન્તાઃ = અનન્ત પ્રદેશો. સૂત્રાર્થઃ આકાશના (પ્રદેશો) અનંતા છે.
ભાવાર્થ: ખરેખર આકાશ દ્રવ્ય અખંડ એક જ છે તેના કોઈ વાસ્તવિક ભેદ છે જ નહિ. અહીં કલ્પનાથી તેના ભેદ સમજવાના છે. તે બે ભેદ છે લોકાકાશ અને અલોકાકાશ.
લોકાકાશ : ધર્માસ્તિકાય વગેરે ચાર દ્રવ્યોના સંયોગવાળા આકાશને લોકાકાશ કહેવાય છે. લોકાકાશના પ્રદેશો અસંખ્યાતા છે.
અલોકાકાશ : જેમાં લોકાકાશ પણ વચ્ચે આવી જાય છે એવા વચ્ચોવચ્ચ લોકાકાશ હોવાથી તે ન ગણીએ તો એકલા અલોકાકાશનો આકાર મોટા પોલા ગોળા જેવો છે. અલોકાકાશમાં ધર્મ-અધર્મ, જીવ અને પુગલમાનું કોઈપણ દ્રવ્ય કે કાળનું અસ્તિત્વ હોતું જ નથી. તેમજ કોઈપણ જીવ કે પુદ્ગલ લોકાકાશની બહાર અલોકાકાશમાં જઈ શકતા નથી. ધર્માસ્તિકાય આદિની સહાય ન હોવાથી અલોકાકાશમાં કોઈ જતું નથી. લોકાકાશ સિવાયના અલોકાકાશના પ્રદેશો અનન્તા છે કેમ કે અનન્ત સંખ્યામાંથી લોકાકાશના અસંખ્યાતા પ્રદેશ બાદ કરીએ તો પણ અનંતની સંખ્યા જ રહે છે. આ રીતે આકાશાસ્તિકાયદ્રવ્ય એક-અખંડ અરૂપીદ્રવ્ય છે જે લોકાલોક વ્યાપી હોવાથી અનંતપ્રદેશ વાળું છે.