________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૫, સૂત્ર-૨
૨૮૯ (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય (૫) કાળ અને (૬) જીવાસ્તિકાય.
સાર ઃ જીવ અનાદિકાળથી પોતાના સ્વરૂપને જાણતો નથી. અજ્ઞાનતાના કારણે શરીરને પોતાનું ગણે છે. પરંતુ શરીર તો પુદ્ગલોનો પિંડ છે. પુદ્ગલ અજીવ તત્ત્વ છે. આમ જીવથી તદ્દન ભિન્ન એવા અજીવતત્ત્વને મારું માનીને જીવ એક ભ્રમમાં રાચ્યા કરે છે. પુદ્ગલાસ્તિકાયના સ્વરૂપને જાણ્યા પછી મારું-તારું વગેરે ખ્યાલો પણ પરિવર્તન પામી શકે છે. આ રીતે અજીવ તત્ત્વ તે અન્ય વસ્તુ છે એવી અન્યત્વ ભાવનાથી જીવ વૈરાગ્ય ભાવમાં આગળ વધી પરંપરાએ મોક્ષ પામે છે.
સૂત્ર (૫-૨) પ્રયોજન : સૂત્રકાર મૂળભૂત પાંચ દ્રવ્યો જણાવે છે.
द्रव्याणि जीवाश्च ५-२ દ્રવ્યાણિ જીવાશ્ચ ૫-૨
દ્રવ્યાણિ જીવાઃ ચ ૫-૨ શબ્દાર્થ દ્રવ્યાણિ = દ્રવ્યો, જીવાઃ = જીવ.
સૂત્રાર્થ : (આગળના સૂત્રમાં જણાવેલા ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને) જીવ (એમ કુલ પાંચ) દ્રવ્યો છે.
ભાવાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય તથા પુદ્ગલાસ્તિકાય. આ ચાર અજીવ દ્રવ્યો ચૈતન્ય રહિત છે અને પાંચમું જીવદ્રવ્ય ચૈતન્યવાળુ છે. “જીવ” એટલે પ્રાણ ધારણ કરવો. જીવ શબ્દથી જીવ અર્થાત્ પ્રાણી મુખ્યત્વે લેવાય છે છતાં શુદ્ધ ચૈતન્યરૂપ સિદ્ધોના જીવોનો પણ દ્રવ્ય તરીકે જીવદ્રવ્યમાં સમાવેશ થઈ જ જાય છે. આ સંસારમાં કુલ પાંચ દ્રવ્યો છે. “દ્રવ્ય” એ સામાન્ય જાતિ છે. અને ધર્મ, અધર્મ, આકાશ આદિ તેની વિશેષ જાતિ છે. જેમ “ફૂલ” સામાન્ય જાતિ છે જ્યારે ગુલાબ, ચંપો, મોગરો વિશેષ જાતિ છે. દ્રવ્ય એટલે જેની સત્તા કાયમ હોય, ફક્ત પરિણમન થયા કરે. નવા નવા પર્યાયરૂપે રૂપાન્તર થાય.