________________
અધ્યાય : ૧, સૂત્ર-૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર શંકા : મોક્ષ શું છે તે જણાવ્યા વિના, ગ્રંથકર્તા પૂ. ઉમાસ્વાતિજી સીધો મોક્ષ માર્ગનો ઉપદેશ કેમ આપે છે?
સમાધાન : તમારો પ્રશ્ન યોગ્ય છે પણ જરા સમજવા પ્રયત્ન કરીએ. ધારો કે તમને નાયગ્રા ફોલ્સ જોવાની ઇચ્છા છે. નાયગ્રા ફોલ્સ વિષે થોડું જ્ઞાન પણ છે પણ ત્યાં જવા માટેના માર્ગનું જ્ઞાન ન હોય તો ત્યાં જઈ શકાય નહિ. એટલે કે મોક્ષનું યથાર્થ જ્ઞાન જરૂરી છે. બીજું કારણ એ છે કે મોક્ષમાં અનંત સુખ છે તે વાત બધા દર્શનકારો માને છે પણ મોક્ષ માર્ગ અંગે માન્યતા જુદી જુદી છે. આથી ભવ્ય જીવો વિપરીત માર્ગે ન ચઢી જાય તે માટે પૂર્વધર પૂજય ઉમાસ્વાતિજી સર્વ પ્રથમ મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે. માર્ગ જો સાચો હાથ લાગે તો સાધ્ય અવશ્ય સિદ્ધ થાય જ.
શંકાઃ સંસારમાં મળતું સુખ અને મોક્ષમાં મળતા સુખમાં શું ફરક છે?
સમાધાન: સંસારમાં મળતું સુખ એ સાચુ સુખ નથી પણ સુખનો આભાસ છે. દુઃખના પ્રતિકાર રૂપ સુખ છે. દાખલા તરીકે ઘણા સમય સુધી પીવા માટે પાણી ન મળવાથી તરસ વધી ગઈ. છેવટે એક ગ્લાસ ઠંડુ પાણી મળ્યું અને આનંદ થયો. તે જ પ્રમાણે યોગ્ય ભોજન ન મળવાથી ભૂખ વધી ગઈ. છેવટે યોગ્ય ભોજન પ્રાપ્ત થયું અને આનંદ થયો.
ટૂંકમાં ભૂખ અને તરસનું જે દુઃખ હતું તે આહાર-પાણી મળવાથી દૂર થયું. મોક્ષમાં શરીર જ નથી. એટલે ભૂખ-તરસનો કોઈ પ્રશ્ન જ નથી. આત્મા અનંતકાળ સુધી સુખ અનુભવે છે. સંસારનું સુખ આંતરાવાળું છે. કહેવાતા સુખોની વચ્ચે પણ સમયનો ગાળો રાખવો જ પડે. જેમ કે સતત ભોજન લઈ શકાય નહિ, સતત ટી.વી. જોઈ શકાય નહિ વચ્ચે આંતરું રાખવું જ પડે. સંસારનું સુખ પરાધીન છે. ઈંદ્રિયોના માધ્યમથી સુખ પ્રાપ્ત થાય છે. ખાવા માટે રસનેન્દ્રિય જોઈએ, સીનેમા જોવા માટે ચક્ષુન્દ્રિય જોઈએ, મધુર સંગીત સાંભળવા માટે શ્રવણેન્દ્રિયનો સહારો લેવો જ પડે. ટૂંકમાં આ પ્રકારનું સુખ ભૌતિક સાધનના માધ્યમથી મળે છે. મોક્ષનું સુખ પર સાધનો ઉપર આધારિત નથી. સ્વાધીન છે. સંસારનું સુખ અનિત્ય અને અપૂર્ણ છે. અનિત્ય એટલા માટે કે આપણને જેનાથી સુખ મળતું લાગે તે આપણને છોડીને ચાલી જાય. અપૂર્ણ એટલા માટે છે કે ભૌતિક સુખ ગમે તેટલું ભોગવવા છતાં ઓછું જ લાગે છે, સંતોષ થતો નથી. એક ઇચ્છા મટે અને દશ નવી ઇચ્છાઓ ઊભી થાય છે. જયારે મોક્ષનું સુખ પૂર્ણ છે. સંસારનું સુખ