________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
ચોથા અધ્યાયનો સંક્ષિપ્ત સાર
૨૭૭
હવે જો સમ્યગ્દષ્ટિ દેવો છે, તો ત્યાં કંઇક જાગૃતિ છે છતાં તેમનું સંયમી જીવન નથી. તેમાં પણ નીચેના દેવલોકમાં જીવો વધારે કષાય પરિણામવાળા થઈ જાય છે.
નીચેના દેવલોકમાં બાલતપવાળા, શુભ ભાવવાળા જીવો ઉત્પન્ન થાય છે. ઉપરના દેવલોકમાં સમ્યગ્દષ્ટિ કે નિગ્રંથ મુનિઓના જીવો પ્રાયઃ ઉત્પન્ન થાય છે.
એકેન્દ્રિયથી ચાર ઇન્દ્રિય સુધીના જીવો, તથા દેવો કે નારકી કોઇપણ દેવલોકમાં ઉત્પન્ન થતાં નથી. દેવપણે ઉત્પન્ન થાય તેવા શુભભાવ તેમના ઉપજતા નથી. અર્થાત્ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય જ દેવલોકમાં જન્મે છે. છતાં સમ્યગ્દર્શનના અભાવે તે સુખ સુખરૂપ નથી.
નિગ્રંથ મુનિની નિર્મળ ચારિત્ર અવસ્થા આમ તો મોક્ષનું કારણ છે, પરંતુ ભવિતવ્યતાના કારણે પ્રશસ્ત એવો રાગાદિ કષાય હોવાથી તેવા જીવો નવત્રૈવેયક કે સર્વાર્થસિદ્ધના વિમાનમાં ઉત્પન્ન થાય છે. પરંતુ શ્રેણી પર ચઢેલા મુનિઓ જેવી ત્યાં અનંતગુણી નિર્જરા ન હોવાથી પુણ્યયોગ વિશેષપણે થાય છે. આવા જીવો પ્રાયઃ એકાવતારી હોય છે.
આપણે આમાંથી બોધ એ લેવાનો છે કે રાગ-દ્વેષ-મોહ અને અભિમાનની માત્રા ધીમે ધીમે ઓછી કરીને પૂરી શ્રદ્ધા સાથે પરમ તત્ત્વને સમર્પિત થઈએ. આપણે ધર્મ પુરુષાર્થ કેવળ મોક્ષ મેળવવા માટે જ કરીએ તો એક દિવસ દેહાતીત બનીને પ૨મ વિશુદ્ધિ પામી શકીશું.
ચોથો અધ્યાય સંપૂર્ણ