________________
ચોથા અધ્યાયનો સંક્ષિપ્ત સાર
~)
પ્રથમ અધ્યાયમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની ચર્ચા કર્યા પછી બીજા અધ્યાયથી સાત તત્ત્વોમાંથી પહેલા જીવતત્ત્વની વિચારણા કરી. ત્રીજા અધ્યાયમાં સૂત્રકાર મહર્ષિએ નરક, મનુષ્ય અને તિર્યંચ એમ ત્રણે ગતિના જીવો વિષે સચોટ વર્ણન કર્યું. ચોથા અધ્યાયમાં કુલ ત્રેપન (૫૩) સૂત્રો આપીને સૂત્રકાર મહર્ષિએ દેવગતિ ઉપર સુંદર પ્રકાશ પાથર્યો છે.
દેવો ત્રણે લોકમાં વિદ્યમાન છે. ભવનપતિ નિકાયના દેવો અધોલોકમાં છે. વ્યંતર અને જ્યોતિષ્ક દેવો મધ્યલોકમાં અને વૈમાનિક દેવો ઉર્ધ્વલોકમાં છે. આમ દેવો ત્રણ લોકમાં હોવા છતાં વ્યવહારમાં ઉર્ધ્વલોક એટલે દેવલોક એવી માન્યતા પ્રવર્તે છે.
ભવનપતિથી ૧૨ મા દેવલોક સુધીના દેવોને કલ્પોપપન્ન કહ્યા. દરેક નિકાયના દેવોનો અધિપતિ ઇન્દ્ર કહેવાય છે. આ દેવલોકમાં સામાજિક અને રાજકીય વ્યવસ્થા છે. દેવીઓ પણ વૈમાનિક દેવલોકના પહેલા બે દેવલોક સુધી જ જન્મે છે. બે થી ઉપરના વૈમાનિક દેવલોકમાં દેવીઓ નથી. ૧૨ દેવલોકથી ઉપર નવ ત્રૈવેયક અને પાંચ અનુત્તર દેવોને કલ્પાતીત કહ્યા. કલ્પાતીત દેવોમાં સ્વામી-સેવક ભાવ નથી. ત્યાં કોઇ ઇન્દ્ર નથી. બધા જ દેવો અહમિન્દ્ર છે. કલ્પાતીત દેવો પોતાનું સ્થાન છોડીને ક્યાંય જતાઆવતા નથી.
ઉપર કહ્યું તેમ જન્મની અપેક્ષાએ દેવીઓનું અસ્તિત્વ ભવનપતિથી ઇશાન દેવલોક સુધી જ હોય છે. અહીં સુધી દેવો મનુષ્યની જેમ કામવાસના ભોગવે છે. જ્યારે ઉપર ઉપરના દેવલોકમાં કામવાસના મંદ મંદ થઇ જાય છે. છતાં પણ તેઓ પ્રવીચારી દેવો કરતા અધિક સુખી અને અધિક સંતુષ્ટ રહે છે.
કાયાથી જે દેવો કામવાસના સંતોષે છે તેના કરતા ક્રમશઃ સ્પર્શ-રૂપ-શબ્દ અને મનથી કામવાસનાનો સંતોષ માનનારા દેવોને અનંતગણા સુખી કહ્યા છે. પરંતુ સૌથી સુખી તો નવ ત્રૈવેયક અને અનુત્તરવાસી કલ્પાતીત દેવો છે જ્યાં કામવાસનાનો અભાવ છે.