________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૧
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સાથે ઉત્પન્ન થાય છે આ કથન નિશ્ચય નયની દૃષ્ટિએ સમજવું. વ્યવહાર નય સ્થૂલ દષ્ટિવાળો છે. વ્યવહારનય પ્રમાણે પહેલા સમ્યગ્દર્શન થાય પછી જ સમ્યજ્ઞાન થાય.
૨
શંકા : પ્રથમ સૂત્રમાં સમ્યગ્ શબ્દ દર્શન સાથે મૂક્યો છે તો જ્ઞાન અને ચારિત્રને પણ સમ્યક્ કેવી રીતે કહી શકાય ?
સમાધાન : આ વ્યાકરણનો વિષય છે. સાદા ઉદાહરણથી સમજીએ. જેમ રામ લક્ષ્મણ સીતા વનમાં ગયા તેમ કહેવાથી રામ વનમાં ગયા, લક્ષ્મણ વનમાં ગયા અને સીતા પણ વનમાં ગયા એવું નક્કી થઈ જાય છે તેમ અહીં પણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ પ્રમાણે સમ્યક્ શબ્દ ત્રણે પદો સાથે જોડાયેલો સમજવો.
શંકા : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રમાં ઉત્તર ગુણની પ્રાપ્તિ થતાં એટલે સમ્યક્ચારિત્ર પ્રાપ્ત થતાં પૂર્વના ગુણો (સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન) તો હોય જ. તો સમ્યક્ચારિત્ર જ મોક્ષનું શ્રેષ્ઠ સાધન શા માટે નથી ગણતા ?
સમાધાન ઃ પ્રથમ તો આ પ્રશ્નથી જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના અસ્તિત્વનો સ્વીકાર થઈ જાય છે. બીજી વાત એ છે કે તત્ત્વની શ્રદ્ધા હશે તો જ્ઞાન પણ સંગત બનશે અને દર્શન-જ્ઞાન બંને સાધન શુદ્ધ હશે તો ચારિત્ર પણ સમ્યક્ બને. તેથી ચારિત્ર હોય ત્યાં દર્શન અને જ્ઞાન હોય તે વાત જેટલી સત્ય છે, તેટલું જ એ સત્ય છે કે દર્શન અને જ્ઞાન પછી જ ચારિત્ર પણ સમ્યક્ બનવાનું.
બીજી રીતે વિચારીએ તો તે૨મા ગુણસ્થાનકે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પરિપૂર્ણ છે એટલે કે તેરમા ગુણસ્થાને કેવળદર્શન અને કેવળજ્ઞાન થયેલા જ છે. વીતરાગભાવરૂપ ચારિત્ર પણ છે. છતાં પણ મનોયોગ - વચનયોગ - કાયયોગ ચાલુ હોવાથી એટલે કે અયોગીપણું ન હોવાથી તેટલે અંશે ચારિત્રની અપૂર્ણતા રહેવાની, એટલે મોક્ષ કહેવાય નહિ. ત્રણેય સાધનોની પરિપૂર્ણતાથી જ મોક્ષ થઈ શકે. એટલા માટે જ પૂ. ઉમાસ્વાતિજીએ ત્રણે સાધનોની સમન્વયતા દર્શાવવા માટે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ એ પદ બહુવચનમાં અને મોક્ષમાર્ગઃ એ પદ એક વચનમાં દર્શાવેલ છે.
શંકા : આત્મિક ગુણોનો વિકાસ એ જ મોક્ષ કહ્યો છે. સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન - સમ્યક્ચારિત્ર એ ત્રણ સાધન પણ આત્માના મુખ્ય ગુણોનો વિકાસ છે. તો પછી મોક્ષ અને તેના સાધનમાં તફાવત શું ? સાધ્ય અને સાધન જુદા કેવી રીતે ?