________________
૨૧૨ ત્રીજા અધ્યાયનો સંક્ષિપ્ત સાર
તત્ત્વાર્થાધિગમ સૂત્ર આ ચારે ગતિ જીવના પોતાના જ પરિણામને આધીન ફળ ભોગવવાના સ્થાનો છે. ગ્રંથકાર આ ગતિની શૃંખલાને તોડવાનો ઉપાય માત્ર સમ્યગ્દર્શન કહે છે. મિત્ર... તને કદાચ સુખમાં ભાન ન રહ્યું તો હવે દુઃખથી જાગી જા. નરકના દુઃખો પણ જો તારું જાગરણ કરશે તો ઉપકારક થશે.
પહેલેથી ચોથી નરક સુધીની નરકમાંથી નીકળીને જીવ મનુષ્ય જન્મ પામે તો યોગ્ય જીવને યોગ મળતાં તે ભવે મોક્ષની સાધના થઇ શકે છે. પાંચમીમાં નીકળ્યો તો સર્વવિરતિના યોગ સુધી પહોંચી શકે છે. છઠ્ઠી નરકેથી નીકળેલો દેશવિરતિપણું પામી શકે છે. પછી તો તને કેટલી તકો મળી શકે... પછી તો તારે પાછી તિર્યંચ અને નરકના આંટા-ફેરા જ બાકી રહે છે. માટે આત્માને પામવા ઉદ્યમી થા. કર્મભૂમિની રચના દર્શાવીને ગ્રંથકાર જણાવે છે કે, હે મિત્ર... કર્મોના નાશનો વાસ્તવિક ઉપાય મળી શકતો હોય તો આ કર્મભૂમિમાં જ છે, જ્યાં તીર્થકરની નિશ્રાનો અને પ્રત્યક્ષ વચનનો યોગ મળે છે, માટે જાગૃત થા અને તત્ત્વના અભ્યાસ દ્વારા આત્મશુદ્ધિનું સાધ્ય કરી લે.
જીવ વિરાટ વિશ્વ પાસે એક બિંદુ જેવો છે. પરંતુ એ જ આત્મા કર્મરહિત થઈ જ્યારે પૂર્ણ જ્ઞાનને પામે છે. ત્યારે તેની અનંતજ્ઞાન અને અનંત શક્તિ પાસે વિરાટ વિશ્વ એક બિંદુ બને છે. કારણ કે પૂર્ણ જ્ઞાનરૂપ શક્તિમાં અનંત બ્રહ્માંડના સ્વરૂપનું પ્રતિબિંબ પડે છે.
આથી જ્ઞાનીએ જીવ માત્રને સત્તા અપેક્ષાએ સિદ્ધ સ્વરૂપે કહ્યો છે. જે કંઈ ભેદો છે તે સંસારીના છે. સંસારીના ભેદ જાણવાનું પ્રયોજન એ છે કે જીવ પોતે જ આવા સ્થાનોમાં જન્મ-મરણ કરી ચૂક્યો છે. તે તે યોનિમાં જન્મી દુઃખો સહ્યા છે, પુનઃ તેવાં દુઃખો ન પડે તે માટે જીવ તત્ત્વને સમજવું જરૂરી છે.
બીજું કારણ જીવ માત્રનો, જીવોમાં ભેદ જાણીને સર્વ જીવો પ્રત્યે અનુકંપા ભાવને કેળવવાનો છે, જેથી સમસ્ત સૃષ્ટિના જીવોના આપણા ઉપર અલ્પાધિક ઉપકાર છે, તેનું કંઇક ઋણ અદા કરી શકાય.
- ત્રીજો અધ્યાય સંપૂર્ણ