________________
અભિનંદનપૂર્વક અનુમોદના
આ પ્રસ્તાવના શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર કે જે ઉમાસ્વાતિજી મહારાજ વડે રચાયેલ છે તેના માટે નહીં પણ આ અદ્ભુત ગ્રંથના અનેક અનુવાદ, સંકલન, ટીકાઓ અને વિવરણ થયા બાદ શ્રી ચંદ્રકાન્તભાઈએ જે ઉપક્રમ કર્યો છે તેના માટે લખ્યો છે.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર જે આજે તત્ત્વાર્થસૂત્ર તરીકે ઘણું જ પ્રસિદ્ધ છે તે જૈન ધર્મની બે મુખ્ય પરંપરા શ્વેતાંબર અને દિગંબર એ બન્ને પરંપરાને સ્વીકૃત છે. એટલું જ નહીં દિગંબર-શ્વેતાંબર તમામ પેટા " પરંપરામાં પણ માન્ય છે.
શ્રી તત્ત્વાધિગમ સૂત્રનો અભ્યાસ એટલે ભાષામાં જે સ્થાન કક્કા, બારખડી (બારાક્ષરી) એટલે કે આલ્ફાબેટનું ગણાય તે સ્થાન જૈન દર્શનમાં તત્ત્વાર્થાધિગમ સૂત્રનું ગણાય છે. આ તત્ત્વાર્થસૂત્રનો અભ્યાસ જૈન તત્ત્વના જિજ્ઞાસુ ખૂબ ઊંડાણથી કરે છે અને મૂળ આગમના અર્કની જેમ તેને ઉપયોગમાં લે છે.
અમેરિકામાં વસતાં જૈનો જેઓ ઘણાં વર્ષોથી બધો જ વાણીવ્યવહાર મુખ્યત્વે ઈંગ્લીશ ભાષામાં કરે છે અને મોટા ભાગનાનો અભ્યાસ પણ ઈંગ્લીશ ભાષામાં થયો છે. તેવા જિજ્ઞાસુઓ માટે સંસ્કૃત અને અલંકૃત ગુજરાતી અને તે પણ તત્ત્વની પરિભાષા યુક્ત હોય તે સમજવી અતિ કઠિન બની રહે તે સ્વાભાવિક છે. આવા લોકોને આ ગહન વિષય સમજાવવા માટે શ્રી ચંદ્રકાન્તભાઈએ સ્વયં કઠોર પરિશ્રમ કરી અનેક દિવસોના યોગદાન પૂર્વક જે સ્વાધ્યાયો આપ્યા તેમાં તત્ત્વાર્થાધિગમ સૂત્રનો સ્વાધ્યાય કદાચ શિરમોરે છે એમ કહેવું અસ્થાને નથી.
વિવિધ પુસ્તકોનો સતત અભ્યાસ પ્રત્યક્ષ દરેક જ્ઞાનીજનોના સ્વાધ્યાયમાં ઉપસ્થિતિ અને અંદરમાં રહેલા શિક્ષકની કુનેહથી તેમણે તત્ત્વાર્થ સૂત્રનો અભ્યાસ અતિ સરળ, રોચક અને અર્થપૂર્ણ રીતે કરાવ્યો છે તે નિશંક કહી શકાય.
આ અભ્યાસકાળનું બીજ આજ હવે ફુલીફાલી જ્ઞાનવૃક્ષ બની જિજ્ઞાસુ માટે વિશ્રામ અને અનુકૂળ સહારો બનવા પુસ્તક આકારે પ્રગટ થાય છે ત્યારે તેમની અનુમોદના અને અભિનંદન આપતા હું ગૌરવ અનુભવું છું.
તેમનો વર્ષોનો પરિચય અને તેમની શૈલીથી પ્રત્યક્ષ અનુભવી હોવાથી માત્ર બે-ચાર પ્રકરણ વાંચતા પણ આખા ગ્રંથનો ચિતાર આવી જાય તેવા આ તેમના ઉપક્રમ માટે હું તેમને હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું અને હજુ પણ તેમના હાથે જૈન શાસનની વધુ ને વધુ પ્રભાવના માટે શાસનદેવ તેમને આરોગ્યપૂર્વકનું દીર્ધ આયુ અને અનુકૂળતા આપે એ પ્રાર્થના સાથે ફરી ફરી અનુમોદના કરું છું. જૈન તત્ત્વના અભ્યાસુ માટે લોકભોગ્ય શૈલીમાં પ્રગટ થતો આ ગ્રંથ આશીર્વાદ રૂપ જ ગણાશે. અસ્તુ...
- તરલાબેન દોશી