________________
ૐ શ્રી પરમકૃપાળુદેવાય નમઃ
રાકેશભાઈ
આત્માર્થી ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ,
આપની સુદીર્ઘ જ્ઞાન-આરાધનાના ફળસ્વરૂપે આકાર પામેલ “શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'નો અર્થપ્રકાશ કરતા આપના નવીન ગ્રંથના પ્રકાશન અવસરે અભિનંદન.
પ્રસ્તુત ગ્રંથની રચના સ્વાધ્યાયપ્રેમી, અભ્યાસુ જીવોને અનેક રીતે ઉપયોગી અને પ્રેરક થશે. એમાં પ્રત્યેક સૂત્ર સાથે તેના શબ્દાર્થ, સૂત્રાર્થ અને ભાવાર્થની વિશદ રજૂઆત કરી છે. તથા મૂળ સૂત્રને વિભક્ત કરી, તેના ઘટક શબ્દોનું સરળ અને ત્વરિત ગ્રહણ થઈ શકે એવી યોજના છે એ સ્તુત્ય છે. અર્થવિસ્તારને રોચક તથા તત્ત્વચર્ચાને હૃદયંગમ બનાવનાર શંકાસમાધાનરૂપ સંવાદશૈલીનો સુંદર ઉપયોગ અત્રે કરવામાં આવ્યો છે. વળી, આ નવીન ગ્રંથમાં સૂત્રના મૂળ સંદેશને વધુ અસરકારક રીતે સ્ફટિત કરવા આનુષંગિક વિષયોની સરસ છણાવટ થઈ છે, રોજબરોજના જીવનનાં વ્યાવહારિક ઉદાહરણોથી ગ્રંથને અલંકૃત કર્યો છે, જરૂર જણાઈ ત્યાં કોષ્ટકો અને ચિત્રોથી વિષયને સુગ્રાહ્ય બનાવ્યો છે તેમજ દરેક અધ્યાયના અંતે પ્રશ્નોત્તરીરૂપ પરાવર્તન થઈ પાઠકની સમજણને સુદૃઢ કરી છે.
આજના ધર્મસમાજને, સવિશેષ યુવાવર્ગને શ્રુત-આરાધના અને સ્વરૂપસાધનામાં ઉપયોગી અને ઉપકારી નીવડે એવી વધુ ને વધુ કૃતિઓ આપની કલમથી જન્મ પામે અને એ સર્જનશીલતા સ્વરૂપસૃષ્ટિના આવિર્ભાવ પર્યત વિસ્તરે એ જ પરમ કૃપાળુ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના. તા. ૦૧-૦૧-૨૦૧૭
ધર્મસ્નેહ સહિત,
પૂજ્ય સાહેબશ્રી રાકેશભાઈ