________________
અંતરના આશીર્વાદ
ચૈતન્ય ગુણમય આત્માનું શુદ્ધ સમજાવવામાં જૈનદર્શન એ સર્વોત્તમ દર્શન છે. ક્યાંય કોઈપણ જાતનો વિરોધ ન આવે તેવું પૂર્વાપર અવિરુદ્ધ અને સર્વથા ♦ નિર્દોષ વર્ણન જૈનદર્શનમાં પ્રાપ્ત થાય છે. કારણ કે તેને સમજાવનારા સર્વજ્ઞ
તીર્થંકર કેવલજ્ઞાની ભગવંતો હતા. જુઠ્ઠું બોલવાનો અને કહેવાનો કોઈ અવસર જ નથી.
આ કારણથી જ જૈનદર્શનમાં કહેલાં તત્ત્વોને અનેક મહાન શ્રુતધર પૂર્વધર અને વિશિષ્ટ બુદ્ધિશાળી સંતપુરુષોએ તે જૈનદર્શનને પોતે સમજ્યા પછી સંસારી જીવોને સાચું તત્ત્વ સમજાવવા નાના-મોટા અનેક શાસ્ત્રોની રચના કરી છે. ભગવાને શ્રુતજ્ઞાન રૂપી દિપક પ્રગટાવ્યો અને પાછળ થયેલા આચાર્યોએ તેમાં ચમચી બે ચમચી ઘી પુરવા દ્વારા આ દીવો પાંચમા આરાના છેડા સુધીની જ્વલ્યમાન રાખ્યો.
તે આચાર્યોમાં સુપ્રસિદ્ધ પ્રતિભાવાળા એક ઉમાસ્વાતિજી નામના મહાન આચાર્યશ્રી થયા. જેઓની સર્વતોમુખી પ્રતિભા હતી. તેઓએ સર્વ વિષયોને સંક્ષેપમાં સંકલિત કરતો “તત્ત્વાર્થાધિગમ સૂત્ર” આ નામનો અર્થથી મહાન અને શબ્દથી નાનો એવો ગ્રંથ બનાવ્યો જે આજે જૈનોના ચારે સંપ્રદાયોમાં અભ્યાસનો વિષય બન્યો છે અને અનેક ગ્રંથોમાં પ્રધાનપદે આ ગ્રંથ છે.
તે તત્ત્વાર્થસૂત્રને યથાર્થ સમજાવવા માટે તેઓશ્રીએ પોતે જ (એટલે કે ગ્રંથકર્તાએ જ) તેના ઉપર એક ભાષ્ય બનાવીને અભ્યાસી જીવોની તૃષાને શમાવી છે. ત્યાર બાદ થયેલા અનેક આચાર્યોએ પોતપોતાના ક્ષયોપશમ પ્રમાણે તેના ઉપર ટીકાઓ-વિવેચનો અને અનેક ભાષાન્તરો કર્યા છે.
હાલ વર્તમાનકાળે પંડિતજી શ્રી પ્રભુદાસભાઈએ તથા પૂજ્યશ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબે ગુજરાતી ભાષામાં કરેલાં વિવેચનો વધારે અભ્યાસનો વિષય બન્યો છે. તેમાં એક વિવેચનનો સહાયક તરીકે ઉમેરો થાય છે કે જે વિવેચન અમેરિકા જેવા ભૌતિક સુખસાધન સંપન્ન દેશમાં રહેલા પંડિત શ્રી ચંદ્રકાન્તભાઈએ (પારસીપની, ન્યુ જર્સી) તૈયાર કર્યું છે. તેમનાં ધર્મપત્ની પ્રવિણાબેને આ પુસ્તક તૈયાર કરવામાં પોતાના અભ્યાસ પ્રમાણે સુધારો-વધારો કરી આપવા દ્વારા સહાય કરી છે.
શ્રી ચંદ્રકાન્તભાઈ કોલેજમાં પ્રોફેસર પદે રહી ચુકેલા છે તેથી બોલવાની-લખવાની અને બીજાને સમજાવવાની કળાથી સારી રીતે વાકેફ રહે છે. તેઓશ્રીએ આ પુસ્તક તૈયાર કરવામાં ઘણી ઘણી કાળજી રાખી છે. ન્યુ જર્સીમાં છેલ્લા વીસ વર્ષથી કાલ્ડવેલ અને ક્યારેક એડિશન નજીક તત્ત્વાર્થના ધાર્મિક ક્લાસો ચલાવ્યા છે. અમેરિકાનાં જૈન સેન્ટરોમાં લોસ એન્જલસ, હ્યુસ્ટન, ન્યુ જર્સી,