________________
૧૧૭
૨-૨૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૨, સૂત્ર-૨૨ સૂત્ર(૨-૨૨) પ્રયોજન - મનનો વિષય જણાવે છે.
श्रुतमनिन्द्रियस्य ૨-૨૨ શ્રુતમનિન્દ્રિયસ્ય
શ્રુતમ્ અનિન્દ્રિયસ્ય ૨-૨૨ શબ્દાર્થ - શ્રુતમ્ = શ્રુતજ્ઞાન, અનિન્દ્રિય = મન સૂત્રાર્થ:- અનિન્દ્રિય (મન) નો વિષય શ્રુતજ્ઞાન છે.
ભાવાર્થ - પાંચ ઈન્દ્રિય ઉપરાંત છઠું મન જ્ઞાનનું સાધન છે. મનને અનિન્દ્રિય કહ્યું છે. પાંચ ઈન્દ્રિયોની જેમ બાહ્ય સાધન નથી. બાહ્ય ઈન્દ્રિયો મૂર્ત(રૂપી) પદાર્થને ગ્રહણ કરે છે. મન મૂર્ત-અમૂર્ત બધા પદાર્થોને ગ્રહણ કરે છે. મનનું કાર્ય વિચાર કરવાનું છે. આ વિચાર એ જ શ્રુતજ્ઞાન છે. અહીં શ્રુતનો અર્થ શ્રુતજ્ઞાન લીધો છે.
ઈન્દ્રિયો દ્વારા મુખ્યત્વે મતિજ્ઞાન અને દ્રવ્ય શ્રુતજ્ઞાન થાય છે જ્યારે મન દ્વારા મતિજ્ઞાન અને ભાવ શ્રુતજ્ઞાન (ચિંતન-મનન) થાય છે. સૂત્રમાં મનનો વિષય શ્રુતજ્ઞાન છે, એમ જે કહ્યું તે મુખ્યત્વે ભાવશ્રુતની અપેક્ષાએ છે.
શંકા - મનથી મતિજ્ઞાન થાય ?
સમાધાન - જરૂર થાય. મન દ્વારા પ્રથમ સામાન્ય રૂપે વસ્તુનું ગ્રહણ થાય છે તે મતિજ્ઞાન છે. તે પરથી ચાલતી વિચારધારા તે શ્રુતજ્ઞાન છે. શંકા :- શરીરમાં મનનું સ્થાન ક્યાં છે?
સમાધાન :- મન શરીરમાં સર્વત્ર છે કોઈ ખાસ એક સ્થાનમાં નથી. શરીરના જુદા જુદા સ્થાનમાં વર્તતી ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ કરાયેલા બધા વિષયોમાં મનની ગતિ થાય છે. તેથી તે સમગ્ર દેહવ્યાપી છે.