________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-૨૧
૧૧૫ શબ્દાર્થ :- સ્પર્શ = અડકવું, રસ = સ્વાદ, ગંધ = સુગંધદુર્ગધ આવવી, વર્ણ = રૂપ, શબ્દ = સાંભળવું, તેષામ્ = તેઓના, અર્થ = શેય, વિષય
સૂત્રાર્થ - (સ્પર્શન આદિ ઈન્દ્રિયોના ક્રમશ:) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ પાંચ વિષયો છે.
ભાવાર્થ:- સૂત્ર ૨-૨૦ માં સ્પર્શનાદિ પાંચ ઈન્દ્રિયોના નામ જણાવ્યાં હતાં. આ સૂત્રમાં તે પાંચે ઈન્દ્રિયોના શેય વિષયો જણાવે છે. જગતના બધા પદાર્થો એક સરખા નથી હોતા. કેટલાક મૂર્તિ છે અને કેટલાક અમૂર્ત છે. જેમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ હોય તે મૂર્ત. આ મૂર્તિ પદાર્થ જ ઈન્દ્રિયો વડે જાણી શકાય છે. અમૂર્ત પદાર્થ ઈન્દ્રિયો વડે જાણી શકાતા નથી.
પાંચ ઈન્દ્રિયોના વિષયો જે જુદા જુદા બતાવ્યા છે તે સર્વથા એકબીજાથી ભિન્ન નથી અને મૂળ દ્રવ્યરૂપ પણ નથી. પરંતુ તેઓ એક જ દ્રવ્યના ભિન્ન ભિન્ન ગુણો કે પર્યાયો સ્વરૂપ છે. એક જ દ્રવ્યની પરસ્પર જુદી જુદી અવસ્થાઓને જાણવામાં પાંચે ઈન્દ્રિયો પ્રવૃત્ત થાય છે.
જેમ કે એક એપલ(સફરજન) ઉદાહરણ તરીકે લઈએ. હવે પાંચે ઈન્દ્રિયો તેને કઈ રીતે જાણે તે જોઈએ. • આંગળીથી સ્પર્શ કરી એપલનો આઠ પ્રકારના સ્પર્શમાંથી (શીત, ઉષ્ણ, રૂક્ષ,
સ્નિગ્ધ, મૂદુ, કઠોર, ભારે, હલકો) કોઈ પણ એક પ્રકારનો સ્પર્શ નક્કી કરી શકાય છે. પરંતુ સ્વાદ કે ગંધ જાણી શકાતી નથી. જીભ વડે ચાખીને તેનો ખાટો-મીઠો-તીખો-તુરી-કડવો રસ નક્કી કરી શકાય છે. નાક વડે સુંઘીને તેની સુગંધ-દુર્ગધ નક્કી કરી શકાય છે. આંખ તેને જોઈને તેનો લાલ, સફેદ, નીલો, પીળો કે કાળો રંગ (વર્ણ) નક્કી કરી શકે છે. અર્થાત્ જોઇ શકે છે. તેને ખાતા ઉત્પન્ન થતો અવાજ (શ્રોતેન્દ્રિયથી જે સાભંળી શકાય તે) પણ શ્રોતેન્દ્રિય (કાન) પકડી શકે છે.