________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-૧૦
૧૦૩ શંકા :- આ સૂત્રમાં ઉપયોગના જે બાર ભેદ કહ્યા તેમાં ક્ષાયોપથમિક ભાવના કેટલા અને ક્ષાયિક-ભાવના કેટલા ?
સમાધાન - કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બંને ઉપયોગ ક્ષાયિક ભાવના ભેદ છે જ્યારે બાકીના ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન અને ૩-દર્શન. આ ૧૦ ક્ષાયોપથમિક ભાવના ભેદ છે.
શંકા :- સાકારોપયોગના જ્ઞાન અને અજ્ઞાનમાં શું તફાવત છે ?
સમાધાન - મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાન સમ્યક્તી જીવને હોય છે. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અવધિ અજ્ઞાન મિથ્યાત્વી જીવને હોય છે.
શંકા :- મન:પર્યવઅજ્ઞાન અને કેવળઅજ્ઞાન કેમ કહ્યા નથી ?
સમાધાન - આ બંને જ્ઞાન સમ્યક્ત થયા વિના ઉત્પન્ન થતાં જ નથી માટે તેમાં અજ્ઞાનનો સંભવ જ નથી.
શંકા - જેમ જ્ઞાનોપયોગના જ્ઞાન અને અજ્ઞાન એવા બે ભેદ છે તેમ દર્શનોપયોગના દર્શન અને અદર્શન એવા બે ભેદ કેમ નથી સમજાવતા ?
સમાધાન :- જ્ઞાનોપયોગમાં પદાર્થનો વિશેષ બોધ થતો હોવાથી પદાર્થ ભિન્ન ભિન્ન રીતે જણાય છે, અર્થાત્ પદાર્થ સ્પષ્ટ જણાય છે. એથી આ જ્ઞાન સાચુ છે અને આ જ્ઞાન ખોટુ છે એમ ભેદ પડે છે. દર્શનોપયોગમાં પદાર્થનો સામાન્ય બોધ થતો હોવાથી ભેદ જણાતો નથી અર્થાત્ પદાર્થ સ્પષ્ટ જણાતો નથી. એથી આ દર્શન સાચુ અને આ દર્શન ખોટુ એમ ભેદ પડતો નથી.
સૂત્ર (૨-૧૦) પ્રયોજન - જીવના મુખ્ય બે ભેદો બતાવ્યા છે.
संसारिणो मुक्ताश्च २-१० સંસારિણો મુક્તાશ્ચ ૨-૧૦
સંસારિણઃ મુક્તા ચ ૨-૧૦ શબ્દાર્થ :- સંસારિણઃ = સંસારી (ચારગતિમાં ભ્રમણ કરતો જીવ) મુક્તાઃ = મુક્ત (સિદ્ધ).