________________
૧૦૦
અધ્યાય : ૨, સૂત્ર-૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
લક્ષણ એટલે શું ?
ઘણા મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ જુદો કરવાવાળા હેતુને (સાધનને) લક્ષણ કહે છે. પરસ્પર ભળી ગયેલ હોવા છતાં જેના દ્વારા વસ્તુની ભિન્નતાનો બોધ થાય છે તેને લક્ષણ કહે છે. લક્ષણ લક્ષ્યને અન્ય વસ્તુથી અલગ પાડીને ઓળખાવે છે. જેમકે અગ્નિનું લક્ષણ ઉષ્ણતા. જેમ ઉષ્ણતાથી અગ્નિનું જ્ઞાન થાય છે તેમ જ્ઞાન-દર્શનના ઉપયોગથી જીવનું જ્ઞાન થાય છે.
કોઈ પણ જીવ એવો નથી કે જેમાં જ્ઞાન-દર્શન ન હોય. કોઈપણ જીવમાં અક્ષરના અનંતમા ભાગે તો જ્ઞાન રહેલું જ હોય છે. જીવ સિવાય અન્ય કોઈ દ્રવ્યોમાં ઉપયોગ હોતો નથી માટે તેને જીવનો અસાધારણ ગુણ કે લક્ષણ કહ્યું છે. વિશ્વ એ અનેક જડ-ચેતન પદાર્થોનું મિશ્રણ છે એમાંથી જડ અને ચેતનનો વિવેકપૂર્વક નિર્ણય કરવો હોય તો ‘ઉપયોગ’ દ્વારા થઈ શકે છે. ઉપયોગ પ્રત્યેક જીવમાં અવશ્ય જોવા મળશે પણ જડમાં બિલકુલ જોવા મળશે નહિ કારણકે તે ઉપયોગ અજીવમાં છે જ નહીં.
શંકા :- ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર એવો અર્થ કર્યો. તો આ ક્રિયા જીવમાં થાય છે અને જડમાં કેમ થતી નથી ?
સમાધાન :- બોધનું કારણ ચેતનાશક્તિ છે. તે જીવમાં હોય છે માટે તેમાં બોધ થઈ શકે છે. ચેતના શક્તિના અભાવે અજીવમાં બોધરૂપ ગુણ પ્રગટ થઈ શક્તો નથી. શંકા :- જીવ સ્વતંત્ર દ્રવ્ય હોવાથી તેમાં અનેક ગુણ સંભવે છે છતાં ઉપયોગને જ લક્ષણ કેમ કહ્યું ?
સમાધાન :- આત્મામાં અનંત ગુણ પર્યાય છે. બધામાં ઉપયોગ જ મુખ્ય છે. ઉપયોગ જ પોતાનું તથા ઈતર પદાર્થોનું જ્ઞાન કરાવી શકે છે. તે સિવાય સુખ દુઃખનો અનુભવ થઈ શકતો નથી માટે સુખ દુઃખનો જે અનુભવ કરે છે તે બધું ઉપયોગને લીધે જ. તેથી ઉપયોગ સર્વ પર્યાયોમાં મુખ્ય છે.
શંકા :- સ્વરૂપ અને લક્ષણમાં શું ફરક છે. ?
સમાધાન :- સામાન્યરીતે કોઈ ભેદ નથી પરંતુ સૂત્રકાર બંનેને અલગ દર્શાવે છે, બીજા અધ્યાયની શરૂઆતમાં જ બે પ્રશ્નો આવ્યા. (૧) જીવનું સ્વરૂપ શું ? અને (૨) જીવનું લક્ષણ શું ? શરૂઆતમાં પાંચ ભાવો બતાવી જીવનું સ્વરૂપ જણાવ્યું અને આ સૂત્રમાં લક્ષણ જણાવે છે.